તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ઢોલીવુડમાં ફરી મચશે ધમાલ: નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખે કરી નવી ફિલ્મ 'મિત્રતા'ની જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ?
સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળ 'મિત્રતા ની પ્રેમકથા' લઈને આવી રહ્યા છે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ: વિરાજ ઘેલાણી અને દીપ વૈદ્ય જેવા કલાકારો સ્ક્રીન ગજવશે

અમદાવાદ, તા.26: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Dhollywood) ને એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપ્યા બાદ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી અને નિર્માતા માનસી પારેખ ફરી એકવાર સિનેમાપ્રેમીઓ માટે દિલ જીતી લેનારી વાર્તા લઈને આવી રહી છે. માનસી પારેખ અને તેના ગાયક-પતિ પાર્થિવ ગોહિલના હોમ પ્રોડક્શન 'સોલ સૂત્ર સ્ટુડિયોઝ' (Soul Sutra Studios) ના બેનર હેઠળ નવી ગુજરાતી ફિલ્મ "મિત્રતા" ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ચાલુ વર્ષે 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ફર્સ્ટ લૂક અને હૃદયસ્પર્શી ટેગલાઇન વાયરલ
સોશિયલ મીડિયા પર ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર શેર કરતાની સાથે જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં ત્રણ પાત્રો દરિયા કિનારે એકબીજાનો હાથ પકડીને ઉભેલા જોવા મળે છે, જે સાચી દોસ્તીની ગવાહી પૂરે છે. આ પોસ્ટર પર આપવામાં આવેલી ટેગલાઇન “મિત્રતા ની પ્રેમકથા” પ્રેક્ષકોને સીધી સ્પર્શી જાય તેવી છે. વનેલ કર્ણિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ગુજરાતના લોકપ્રિય કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર્સ દીપ વૈદ્ય, વિરાજ ઘેલાણી અને વિશાલ પારેખ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.
ઇન્સ્ટાગ્રામ પર માનસીની ખાસ પોસ્ટ:
"કેટલીક મિત્રતા ફક્ત ગ્રુપ ફોટા પાડવા પૂરતી જ મર્યાદિત હોય છે… પરંતુ કેટલીક મિત્રતા જીંદગીમાં એટલી ખાસ અને અનમોલ હોય છે કે તેમના પર આખી ફિલ્મ બનવી જ જોઈએ! ગોલકેરી, કચ્છ એક્સપ્રેસ, ઝામકુડી, શુભચિંતક અને લાલો જેવી સફળ ફિલ્મો બાદ અમારા પ્રોડક્શનની આ આગામી પ્રસ્તુતિ છે. તૈયાર થઈ જાવ 25 સપ્ટેમ્બરે તમારા પાકા ભાઈબંધો સાથે સિનેમાઘરોમાં આવવા માટે!"
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માનસીનો અશ્વમેધ રથ
વર્ષ 2004 માં 'કિતની મસ્ત હૈ ઝિંદગી' અને 'ઇન્ડિયા કોલિંગ' જેવી લોકપ્રિય હિન્દી ટીવી સીરિયલોથી પોતાના કરિયરની શરૂઆત કરનારી માનસી પારેખ આજે ગુજરાતી સિનેમાની સૌથી પાવરફુલ અભિનેત્રી અને પ્રોડ્યુસર બની ચૂકી છે. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' માં તેના દમદાર અભિનય બદલ તેને 'શ્રેષ્ઠ અભિનેત્રી' નો નેશનલ એવોર્ડ મળ્યો હતો, જે મેળવનાર તે પ્રથમ ગુજરાતી અભિનેત્રી છે. તાજેતરમાં જ તેની હોરર-કોમેડી ફિલ્મ 'ઝામકુડી' એ પણ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરીને સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે, ત્યારે હવે 'મિત્રતા' ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર અગાઉના તમામ રેકોર્ડ તોડશે તેવી આશા સેવાઈ રહી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
