તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
'રામાયણ' ફિલ્મમાં માતા સીતાના યોદ્ધા રૂપ પર વિવાદ: મુકેશ ખન્નાએ નિર્માતાઓ પર સાધ્યું તીખું નિશાન
નિતેશ તિવારીની પૌરાણિક ફિલ્મ 'રામાયણ'માં માતા સીતાના એક્શન સીન સામે સવાલ ઉઠાવી પીઢ અભિનેતાએ તથ્યો સાથે ચેડાં કરવાનો મૂક્યો ગંભીર આરોપ

મુંબઈ : નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલ બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ' રિલીઝ થતા ની સાથેજ મોટા વિવાદમાં સપડાઈ છે, જ્યાં પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ માતા સીતાને યોદ્ધા તરીકે દર્શાવવા બદલ ફિલ્મ નિર્માતાઓની આકરી ટીકા કરી છે. પોતાની યુટ્યુબ ચેનલ 'ભીષ્મ ઇન્ટરનેશનલ' પર શેર કરેલા વીડિયોમાં તેમણે નિર્માતાઓ પર મહાકાવ્યના તથ્યોને વિકૃત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, વાલ્મીકિ રામાયણમાં સીતાજીને ક્યાંય લડતા કે યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા નથી. તેમણે નિર્માતાઓ પર સત્યતા જાળવવાને બદલે માત્ર રૂ. ૪,૦૦૦ કરોડનું બજેટ રિકવર કરવા પર ધ્યાન આપવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ફિલ્મના પ્રમોશનલ કન્ટેન્ટમાં સાઈ પલ્લવીનું સીતા પાત્ર રાક્ષસો સામે લડતું જોવા મળતાં વાંધો ઉઠાવતા મુકેશ ખન્નાએ પ્રશ્ન કર્યો હતો કે, આપણા પૌરાણિક ગ્રંથો સાથે આવી સર્જનાત્મક સ્વતંત્રતા લેવી ક્યાં સુધી વ્યાજબી છે. બીજી તરફ નિર્માતા નમિત મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે આ દ્રશ્ય વાલ્મીકિ રામાયણ નહીં પણ 'અદ્ભુત રામાયણ' પર આધારિત છે, પરંતુ આ દલીલ ફગાવતા ખન્નાએ રોષ વ્યક્ત કર્યો હતો કે અન્ય કોઈ ધર્મના પવિત્ર ગ્રંથોમાં પોતાની વાર્તાઓ ઉમેરવાની હિંમત કોઈ દર્શાવતું નથી, તો પછી હિન્દુ ધર્મગ્રંથો સાથે આવું વર્તન શા માટે કરવામાં આવે છે.
મુકેશ ખન્નાની આ આકરી પ્રતિક્રિયા અને 'તમને શરમ આવવી જોઈએ' જેવા નિવેદન ધરાવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ પણ તેના પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ અગાઉ પણ પૌરાણિક વાર્તાઓ અને રામાયણ આધારિત ફિલ્મોના પાત્રો તથા દ્રશ્યો સામે દર્શકો અને સંસ્થા દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાના કિસ્સાઓ બન્યા છે.
આ વિવાદ વધુ ઘેરો બનતાં જ સિનેમા જગત અને પૌરાણિક વિષયોના અભ્યાસુઓ વચ્ચે નવો તર્ક-વિતર્ક શરૂ થયો છે, પરંતુ અત્યાર સુધી મુકેશ ખન્નાના આ તીખા પ્રહારો સામે ફિલ્મ નિર્માતા કે નિતેશ તિવારીની ટીમ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
