તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
CID ના જૂના-જાણીતા કલાકારોનો ધડાકો: આદિત્ય, દયા અને શિવાજી સાટમ લાવ્યા નવો નક્કોર ક્રાઈમ શૉ 'પાપનાશમ'!
ટીવી પર ધૂમ મચાવ્યા બાદ હવે યુટ્યુબ પર જામશે ક્રાઈમ અને ઈન્વેસ્ટિગેશનનો નવો રોમાંચ; દયાનંદ શેટ્ટીના પ્રોડક્શન હાઉસ હેઠળ સ્ક્રિપ્ટિંગ અને શૂટિંગની તૈયારીઓ પુરજોશમાં.

મુંબઈ : ભારતીય ટેલિવિઝન જગતમાં ક્રાઈમ થ્રિલર શોની વાત નીકળે એટલે દરેકના મોં પર સૌથી પહેલું નામ 'CID'નું જ આવે. ટીવી સ્ક્રીન પર વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર આ શોની બીજી સીઝન ડિસેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થઈ હતી. ત્યારથી જ ફેન્સ સતત નવી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જોકે, સીઆઈડીની ત્રીજી સીઝન અંગે હજુ કોઈ અધિકૃત એનાઉન્સમેન્ટ નથી થયું, પરંતુ ફેન્સ માટે એક ખૂબ જ ધમાકેદાર અને ખુશીના સમાચાર સામે આવ્યા છે!
દયા, અભિજીત અને ACP પ્રદ્યુમનની આઈકોનિક ત્રિપુટીનો નવો અવતાર
CIDના ફેવરિટ સ્ટાર્સ દર્શકોનું મનોરંજન કરવા માટે એક સંપૂર્ણપણે નવો ક્રાઈમ શો લઈને આવી રહ્યા છે. શોમાં 'દયા'નું આઈકોનિક પાત્ર ભજવનાર એક્ટર દયાનંદ શેટ્ટી પોતાની જ નવી પ્રોડક્શન કંપની હેઠળ આ શો ડિઝાઈન કરી રહ્યા છે. આ સરપ્રાઈઝ પ્રોજેક્ટમાં સીઆઈડીમાં 'અભિજીત' બનેલા આદિત્ય શ્રીવાસ્તવ, 'ACP પ્રદ્યુમન' ફેમ શિવાજી સાટમ અને 'પંકજ'નું રોલ કરનાર અજય નાગરથ પણ એકસાથે જોડાયા છે.
તાજેતરમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ આ તમામ કલાકારોએ સાથે મળીને એક સ્પેશિયલ વીડિયો સીરિઝ દ્વારા પોતાના નવા શૉનું નામ 'પાપનાશમ' જાહેર કર્યું છે. જોકે આ પણ એક ક્રાઈમ શો જ હશે, પરંતુ તેનું ફોર્મેટ, સ્ટોરીટેલિંગ અને અંદાજ CID કરતા સાવ અલગ અને વધારે ડાર્ક-ઓથેન્ટિક હશે.
ક્યારે અને ક્યાં જોવા મળશે પહેલો એપિસોડ?
ફેન્સમાં હવે આ નવા શૉને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ શો કોઈ ટીવી ચેનલ પર નહીં પરંતુ યુટ્યુબ (YouTube) પર ઓન-એર કરવામાં આવશે. જ્યાં દર્શકોને કેસ-વાઈઝ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન અને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળશે.
હાલમાં આ શૉના સ્ક્રિપ્ટિંગ અને પ્રોડક્શનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં આ શૉનો પહેલો એપિસોડ રિલીઝ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ટૂંક સમયમાં જ કલાકારો શૉનો ઓફિશિયલ પ્રોમો લોન્ચ કરીને ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપી શકે છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
