તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
'ટૉક્સિક' ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન સગર્ભા કિઆરા અડવાણીની બાઉન્સરની જેમ સંભાળ રાખી હોવાનો સુપરસ્ટાર યશનો ખુલાસો
મુંબઈમાં યોજાયેલા ઓડિયો લોન્ચ પ્રસંગે કન્નડા અભિનેતા યશે કિઆરાના સમર્પણ અને વ્યાવસાયિક અભિગમની કરી ભરપૂર પ્રશંસા

મુંબઈ:કન્નડા સિનેમાના સુપરસ્ટાર યશે તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા તેમની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોનઅપ્સ’ના ઑડિયો-લૉન્ચ પ્રોગ્રામ દરમિયાન એક મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન સગર્ભા હોવા છતાં અભિનેત્રી કિઆરા અડવાણીએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું હતું અને તેણે પોતે તથા ડાયરેક્ટર ગીતુ મોહનદાસે બાઉન્સરની જેમ કિઆરાની વિશેષ કાળજી રાખી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા સુપરસ્ટાર યશે જણાવ્યું હતું કે જ્યારે કિઆરા આ પડકારજનક ભૂમિકા માટે ફિલ્મ સાથે જોડાઈ ત્યારે તેને અને દિગ્દર્શકને તેની સગર્ભાવસ્થાના કારણે સ્વાભાવિક રીતે જ ચિંતા રહેતી હતી. પરંતુ, કિઆરાએ પોતાના કામ પ્રત્યે અદ્ભુત વચનબદ્ધતા બતાવતા ૧૦૦ ટકા કમિટમેન્ટ સાથે શૂટિંગમાં ભાગ લીધો હતો, જેને જોઈને અભિનેતા દંગ રહી ગયા હતા.
યશે વધુમાં ઉમેર્યું હતું કે, "અમે શૂટિંગ સેટ પર તેની સંભાળ રાખવા માટે હંમેશાં બૉડીગાર્ડ કે બાઉન્સરની જેમ તેની આસપાસ હાજર રહેતા હતા." કિઆરાના આ વ્યાવસાયિક અભિગમ અને કામ પ્રત્યેની નિષ્ઠાએ સમગ્ર યુનિટનું દિલ જીતી લીધું છે અને યશે જાહેરમાં તેના આ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ફિલ્મ તેના શાનદાર સ્ટારકાસ્ટ અને ભવ્ય આયોજનના કારણે હાલમાં સિનેમા જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આગામી સમયમાં આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની છે, ત્યારે કિઆરા અડવાણી અને યશની આ જોડી મોટા પડદા પર કેવો કમાલ બતાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
