તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
બોલિવૂડ કિંગ આમિર ખાને પત્ની ગૌરી માટે તૈયાર કરાવી ખાસ રોયલ રિંગ: ૨૫૬ કલાકની મહેનત અને ૧૩૧ કારીગરોના હાથનો જાદુ
ટ્રેડિશનલ હીરાને બદલે લગ્નની વીંટીમાં ચમક્યો મેડાગાસ્કરનો અત્યંત દુર્લભ રૂબી; રાજવી તાજ જેવી એન્ટિક ડિઝાઇને ખેંચ્યું લોકોનું ધ્યાન

મુંબઈ : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તાજેતરમાં જ મુંબઈમાં ગૌરી સ્પ્રેટ સાથે ખૂબ જ સાદગીપૂર્ણ માહોલમાં લગ્ન કર્યા છે. આ લગ્ન ભલે ખાનગી અને સાદા રહ્યા હોય, પરંતુ આમિરે તેમની પત્ની ગૌરી માટે જે લગ્નની વીંટી પસંદ કરી છે તેની વિગતોએ અત્યારે સોશિયલ મીડિયા અને ફેશન જગતમાં ધૂમ મચાવી દીધી છે. કોઈ કિંમતી કૌટુંબિક વારસા (હેરલૂમ) જેવી દેખાતી આ અદભુત વીંટીને તૈયાર કરવામાં ૩ મહિનાથી વધુનો સમય લાગ્યો છે.
આ કોઈ સામાન્ય વીંટી નથી, પરંતુ તેને ક્વીન (QWEEN) ના ૧૩૧ અતિ કુશળ કારીગરોએ પોતાના હાથે ૨૫૬ કલાકથી વધુ સમય સુધી ઝીણવટભર્યું કામ કરીને બનાવી છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઝ પોતાના લગ્નમાં હીરાના સોલિટેર પસંદ કરતા હોય છે, પરંતુ આમિરે બજારના ટ્રેન્ડથી હટીને ગૌરી માટે લાલ ચટાક માણેક એટલે કે 'કુદરતી રૂબી' પસંદ કર્યો છે. આ રૂબી મેડાગાસ્કરની ખાણમાંથી મેળવવામાં આવ્યો છે, જે દસ લાખ પથ્થરોમાંથી એકાદ વખત જ જોવા મળે છે અને તે બર્મીઝ માણેક જેટલો જ કિંમતી માનવામાં આવે છે.
એન્ટિક લુક અને શાહી કનેક્શન
આ વીંટીની સૌથી મોટી ખાસિયત તેનો 'કેબોચન કટ' છે. રત્નને સામાન્ય વીંટીઓની જેમ પાસા પાડીને ચમકાવવાને બદલે એક મુલાયમ, ગોળાકાર ગુંબજ જેવો આકાર આપીને પોલિશ કરવામાં આવ્યો છે, જે વિન્ટેજ અને શાહી ઘરેણાંમાં જોવા મળે છે. ક્વીનના સીઈઓ અમિત કુમારે જણાવ્યું હતું કે, આ રૂબીને સોનાની કલાત્મક સ્કેલોપ્ડ ગેલેરી પર એ રીતે સેટ કરવામાં આવ્યો છે જે જોતાં કોઈ રાજાના તાજ (ક્રાઉન) જેવો લુક આપે છે. તેમાં વપરાયેલી બારીક મિલેગ્રેન બીડિંગ ટેકનિક જૂના જમાનાના રાજ્યાભિષેકના ઘરેણાંની યાદ અપાવે છે.
આમિર ખાન અગાઉ પણ ગૌરી માટે આવી કસ્ટમાઇઝ્ડ જ્વેલરી બનાવડાવી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે ગૌરીને બ્રાઝિલિયન એક્વામેરિન અને હીરા જડેલી વીંટી ભેટમાં આપી હતી. આ સિવાય લગ્નના દિવસે આમિરે પહેરેલા જાડા ચાંદીના પાયલે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. બ્રાન્ડેડ લક્ઝરી ઘરેણાં ખરીદવાને બદલે પોતાના પ્રેમ માટે આવી અનોખી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી વસ્તુઓ ડિઝાઇન કરાવવાની આમિરની આ સ્ટાઇલે ચાહકોના દિલ જીતી લીધા છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
