<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ખિસ્સામાં માત્ર ₹24 લઈને મુંબઈ આવેલા ભૂષણ ઠાકરે KBC 18ના પ્રથમ કરોડપતિ બન્યા: ₹7 કરોડના સવાલ પર ક્વિટ કર્યા બાદ પણ જવાબ નીકળ્યો એકદમ સાચો!

મહારાષ્ટ્રના જળગાંવના 28 વર્ષીય ભૂષણ ઠાકરેએ ₹1 કરોડ જીતીને રચ્યો ઇતિહાસ; 100 ટકા ખાતરી ન હોવાથી સુરક્ષિત રમત રમ્યા, પરંતુ ક્વિટ કર્યા બાદ આપેલો ‘કેમ્બરલી’ જવાબ સાચો પડતાં બિગ બી પણ ચોંક્યા

મુંબઈ, તા. ૨૬: લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 18’ (KBC 18)ને આ સિઝનના પ્રથમ કરોડપતિ મળી ગયા છે. મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના રાવેર તાલુકાના બલવાડી ગામના રહેવાસી 28 વર્ષીય યુવાન ભૂષણ ઠાકરેએ પોતાના અદભુત જ્ઞાન અને ધીરજના જોરે ₹1 કરોડની રકમ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, આ એપિસોડમાં સૌથી રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે ₹7 કરોડના 16મા અને અંતિમ જેકપોટ પ્રશ્ન પર ભૂષણે રમત છોડી (Quit) દીધી, પરંતુ ત્યારબાદ તેણે જે જવાબ આપ્યો તે સાચો ઠરતાં ખુદ અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અમિતાભ બચ્ચને ભૂષણ સામે ₹7 કરોડ માટે બ્રિટિશ ભારતના ભાષાકીય સર્વેક્ષણ અંગે એક અત્યંત કઠિન પ્રશ્ન મૂક્યો હતો. સવાલ એવો હતો કે જ્યોર્જ એ. ગ્રિયર્સને બ્રિટિશ ભારતના 20 કરોડથી વધુ લોકો દ્વારા બોલાતી 179 ભાષાઓ અને 544 બોલીઓનું સર્વેક્ષણ સંકલિત કરવાનું કામ ત્રણ દાયકા સુધી કયા અંગ્રેજી શહેરમાંથી કર્યું હતું? વિકલ્પોમાં હેરિસ, ગ્રોસમ, ઓક્સફર્ડ અને કેમ્બરલીનો સમાવેશ થતો હતો. ભૂષણ પાસે ‘50:50’ લાઈફલાઈન બાકી હતી, પરંતુ નિયમ મુજબ ₹7 કરોડના સવાલ પર કોઈ લાઈફલાઈન વાપરી શકાય તેમ નહોતી. જવાબ અંગે 100 ટકા ખાતરી ન હોવાથી પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂષણે ₹1 કરોડ સુરક્ષિત રાખવાનું યોગ્ય માન્યું.

રમત છોડ્યા બાદ જ્યારે બિગ બીએ ભૂષણને જવાબ પૂછ્યો, ત્યારે તેણે કોઈ સંકોચ વગર ‘કેમ્બરલી’ (Camberley) નામ આપ્યું અને તે જવાબ સ્ક્રીન પર સાચો પડ્યો. ₹7 કરોડ ચૂકી જવાનો થોડો અફસોસ જરૂર રહ્યો, પરંતુ ₹1 કરોડ જીત્યાની ખુશી અને સાચા જ્ઞાનનો સંતોષ ભૂષણના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો.

ભૂષણ ઠાકરેની આ સફળતા પાછળ સંઘર્ષની એક ભાવુક કહાની છુપાયેલી છે. ભૂષણના પિતાએ દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને તેને ભણાવ્યો, જ્યારે તેના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે માતાએ પોતાના ઘરેણાં સુદ્ધાં વેચી દીધા હતા. ભૂષણે જણાવ્યું કે તે ક્યારેક ખિસ્સામાં માત્ર ₹24 લઈને મુંબઈ આવ્યો હતો અને હવે જીતેલા ₹1 કરોડમાંથી તે સૌથી પહેલા પોતાની માતાના ઘરેણાં પરત ખરીદીને આપશે. ભૂષણની સાદગી અને સંયમથી પ્રભાવિત થઈને બિગ બીએ તેને ભેટીને અભિનંદન પાઠવ્યા હતા.

(5:31 PM IST)