News of Wednesday, 9th September 2026
બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટથી ૧૦૦ કરોડના સુપરસ્ટાર: 'હનુમાન અંશ' ના હીરો શોભિનવ સત્યાની અનોખી સફર, ૧૦ વર્ષના સંઘર્ષ બાદ ચમક્યું નસીબ!
કોઈ મોટા સ્ટાર્સ કે હિંસક વિઝ્યુઅલ્સ વગર બન્યો નવો ઈતિહાસ; એક્ટિંગ ટીચરમાંથી નીમકરૌલી બાબાનું જીવંત પાત્ર ભજવી દેશભરના દર્શકોના દિલ જીતી લીધા

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં જ રિલીઝ થયેલી સ્પિરિચ્યુઅલ ડ્રામા ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. કોઈ પણ મોટા માર્કેટ વેલ્યુ ધરાવતા સુપરસ્ટાર, હિંસક ફાઈટ સીન કે વિવાદિત વિઝ્યુઅલ્સ વગર માત્ર સાચા મેસેજ અને આધ્યાત્મિક થીમ પર આધારિત આ ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને સમગ્ર સિનેમા જગતને ચોંકાવી દીધું છે. વર્ષ ૧૯૭૫ ની પ્રખ્યાત ફિલ્મ 'જય સંતોષી મા' ની જેમ દર્શકો થિયેટરોની બહાર ચંપલ ઉતારીને આ આધ્યાત્મિક પ્રેક્ષણ જોવા જઈ રહ્યા છે.
૧૦ વર્ષ પદોની પાછળ કામ કર્યા બાદ મળી તક:
આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર લખનઉના કલાકાર શોભિનવ સત્યાની કહાની કોઈ ફિલ્મથી ઓછી નથી. FTII પુણેમાંથી એક્ટિંગનો કોર્સ કર્યા બાદ અને એક્ટિંગ ટીચર તરીકે કામ કરી ચૂકેલા શોભિનવે લગભગ ૧૦ વર્ષ સુધી પડદા પાછળ રહીને આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે 'CID' અને 'રાગીની MMS રિટર્ન' જેવા પ્રોજેક્ટ્સમાં સખત પરિશ્રમ કર્યો હતો. તેમની પ્રતિભા પરનો વિશ્વાસ જ તેમને આજે સફળતાના શિખરે લઈ ગયો છે.
મંદાકિની નદીના ઘાટ પર ૪ કલાક ચાલ્યું હતું ઓડિશન:
રસપ્રદ વાત એ છે કે, નીમકરૌલી બાબાના પાત્ર માટે શોભિનવ મેકર્સની પહેલી પસંદ નહોતા. પ્રી-પ્રોડક્શનના બે દિવસ બાદ જ્યારે તેઓ મેકર્સને મળ્યા ત્યારે તેમના હાવભાવ અને નીમકરૌલી બાબા સાથે મળતા આવતા ચહેરાને જોઈને કોસ્ચ્યુમ ડિરેક્ટરે તેમને રિકોમન્ડ કર્યા હતા. ફિલ્મના ડિરેક્ટર વિશાલ ચતુર્વેદી તેમને મંદાકિની નદીના ઘાટ પર લઈ ગયા હતા અને નૌકા વિહાર દરમિયાન ૪ કલાક સુધી ચાલેલા કપરા ઓડિશન બાદ તેમની મુખ્ય પાત્ર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
૨૧ વર્ષની અનુપ્રિયા નાગરનો માસ્ટરમાઇન્ડ આઇડિયા:
આ ભવ્ય ફિલ્મ બનાવવા પાછળનો શ્રેય ૨૧ વર્ષની યુવાન અને તેજસ્વી વિચારસરણી ધરાવતી મુંબઈની અનુપ્રિયા નાગરને જાય છે. અનુપ્રિયા એક ખાસ અસાઇનમેન્ટ માટે નીમકરૌલી બાબાના આશ્રમ ગઈ હતી. સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા વૈશ્વિક દિગ્ગજોના આશ્રમ સાથેના જોડાણથી પ્રેરિત થઈને તેણે આ વિષય પર ફિલ્મ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ ફિલ્મે સાબિત કર્યું છે કે માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી અને મજબૂત કન્ટેન્ટ હોય તો મલ્ટિમીડિયા માર્કેટિંગ વગર પણ ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી શકે છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
