<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

આયુષ્માન ખુરાના અને શર્વરીની જોડીનું નવું રોમેન્ટિક ગીત 'ઝૂમકા પટોલા' રિલીઝ: રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું આકર્ષક ટ્રેક ફેન્સમાં છવાયું!

સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું નવું જશ્ન અને મસ્તીથી ભરપૂર ગીત 'ઝૂમકા પટોલા' રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકો તરફથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે.

મુંબઈ : બોલિવૂડમાં કૌટુંબિક અને પ્રેમથી ભરપૂર ફિલ્મો માટે જાણીતા રાજશ્રી પ્રોડક્શન્સ અને દિગ્દર્શક સૂરજ આર. બડજાત્યા પોતાની આગામી મચ-અવેટેડ ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા' સાથે સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું અગાઉ ટાઇટલ ટ્રેક અને ગરબા ગીત 'જય અંબે બોલ' દર્શકોના દિલ જીતી ચૂક્યા છે, અને હવે નિર્માતાઓએ ફિલ્નનું ત્રીજું નવું અને જોશભર્યું ગીત 'ઝૂમકા પટોલા' રિલીઝ કરી દીધું છે. આ ગીતમાં યુવા અભિનેતા આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘની જોડીનો રોમેન્ટિક અને મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે, જેણે ફેન્સનો ઉત્સાહ બેવડો કરી દીધો છે.

 

ગીતના સંગીત અને ગાયકીની વાત કરીએ તો, સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલના જાદુઈ અવાજે આ ગીતમાં ચાર ચાંદ લગાવ્યા છે, જ્યારે જાણીતા સંગીતકાર હિમેશ રેશમિયાએ તેને ખૂબ જ આકર્ષક અને ઝૂમવા મજબૂર કરી દે તેવી ધૂનથી સજાવ્યું છે. ગીતના અર્થસભર અને સુંદર બોલ સોનિયા કપૂર રેશમિયા દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતમાં આયુષ્માન અને શર્વરીની જોડીની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર લાગી રહી છે, અને શબીના ખાનની કલાત્મક કોરિયોગ્રાફીએ ગીતના ઉત્સવના રંગોને વધુ નિખાર્યા છે.

 

આ ફિલ્મનું મ્યુઝિક આલ્બમ એટલા માટે ખાસ છે કારણ કે તેમાં ત્રણ અલગ-અલગ મિઝાજ ધરાવતા ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે; એક તરફ જ્યાં ટાઇટલ ટ્રેક ભાવનાત્મક દુનિયા સાથે જોડે છે, તો બીજી તરફ 'જય અંબે બોલ' ગીતે નવરાત્રિનો રંગ જમાવ્યો હતો અને હવે 'ઝૂમકા પટોલા' જશ્ન અને ઉત્સાહના સિલસિલાને આગળ વધારી રહ્યું છે. આ ફિલ્મ પ્રેમ, પરિવાર અને સંબંધોની સુંદર વાર્તાને રૂપેરી પડદા પર રજૂ કરશે.

 

રાજશ્રી પ્રોડક્શન્સ (પ્રા.) લિમિટેડ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મના દિગ્દર્શક સૂરજ આર. બડજાત્યા છે. આયુષ્માન ખુરાના અને શર્વરીની મુખ્ય ભૂમિકા સભર આ પારિવારિક અને રોમેન્ટિક ફિલ્મ આગામી 27 નવેમ્બર 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે.

 

(6:37 PM IST)