<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

૮૪ વર્ષની વયે અમિતાભ બચ્ચનની નિવૃત્તિની અફવાઓથી ચાહકો ચોંક્યા: બિગ બીએ પોસ્ટ કરીને વાસ્તવિકતા સ્પષ્ટ કરી!

વ્લોગમાં 'આઈ એમ રિટાયર્ડ' લખતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો; મેગાસ્ટારે મજાકીયા અંદાજમાં સ્પષ્ટતા કરતા કહ્યું- "હું ઊંઘવા જઈ રહ્યો હતો, એક્ટિંગ છોડી રહ્યો નથી"

મુંબઈ : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૪ વર્ષની વયે પણ બોલિવૂડ અને નાના પડદા પર સતત અવિરત કામ કરી રહ્યા છે. તેમના લાખો ચાહકો તેમની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ અને હલચલ પર નજર રાખતા હોય છે. દરમિયાન, તાજેતરમાં બિગ બીના એક વ્લોગ બાદ તેમના અભિનય જગતમાંથી નિવૃત્તિ લેવાની અફવાઓએ ભારે જોર પકડ્યું હતું. પોતાની જ નિવૃત્તિની ચર્ચાઓ વહેતી થતાં ખુદ મેગાસ્ટારે આગળ આવીને ફેન્સને મોટો રાહતનો શ્વાસ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલ કામમાંથી નિવૃત્ત થવાનો તેમનો કોઈ પ્લાન નથી.

 

વાસ્તવમાં, અમિતાભ બચ્ચને પોતાના એક બ્લોગના અંતમાં 'અને હું રિટાયર થઈ ગયો' (And I am retired) એવા શબ્દો લખ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ ગઈ કે તેઓ પોતાની સફળ કારકિર્દીને પૂર્ણવિરામ આપી રહ્યા છે. આ અફવાઓ પર વિરામ મુકતા બિગ બીએ તેમના લેટેસ્ટ વ્લોગમાં પોતાની વાત સ્પષ્ટ કરી હતી. તેમણે મજાકીયા લહેકામાં લખ્યું, "ના હુજૂર, હું મારા કામમાંથી રિટાયર થઈ રહ્યો નથી. અહીં અંગ્રેજી શબ્દનો અર્થ એવો હતો કે હું હવે રાત્રે સુવા જઈ રહ્યો છું, અને મેં તમને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું નથી!" તેમણે એ પણ ઉમેર્યું કે ઘણીવાર તેમની પોસ્ટના શબ્દોનો ખોટો અર્થ કાઢીને અહેવાલો બનાવી દેવામાં આવે છે.

 

અમિતાભ બચ્ચન હાલમાં ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને આઇકોનિક ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૮' હોસ્ટ કરી રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૦થી એટલે કે બે દાયકા કરતાં પણ વધુ સમયથી આ શો સાથે જોડાયેલા છે અને આજે પણ તેમની કામ કરવાની ઊર્જા અને ક્ષમતા યુવા કલાકારો માટે પ્રેરણારૂપ છે. બિગ બીની આ સ્પષ્ટતા બાદ તેમના કરોડો ચાહકોએ ભારે રાહત અનુભવી છે.

 

(6:55 PM IST)