News of Tuesday, 28th April 2026
આલ ઈઝ વેલ! 17 વર્ષ બાદ ફરી જામશે રાંચો, રાજુ અને ફરહાનની જુગલબંધી: આમિર ખાને '3 ઈડિયટ્સ 2' પર મારી મહોર, રાજકુમાર હિરાણી ફરી સંભાળશે નિર્દેશનની કમાન!
કહાનીમાં આવશે 10 વર્ષનો લીપ અને મૂળ સ્ટાર કાસ્ટની થશે વાપસી: પુત્ર જુનૈદની ફિલ્મના પ્રમોશનમાં આમિરે ખોલ્યા રાઝ, દાદાસાહેબ ફાળકેની બાયોપિક પડતી મૂકી '3 ઈડિયટ્સ' પર ધ્યાન કેન્દ્રિત

મુંબઈ: બોલિવૂડના ઈતિહાસમાં શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતી અને મિત્રતાની નવી મિશાલ કાયમ કરનાર બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઈડિયટ્સ' ના ચાહકો માટે વર્ષના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ સુપરહિટ ફિલ્મની સિક્વલ '3 ઈડિયટ્સ 2' પર કામ શરૂ થઈ ગયું છે. ફરી એકવાર રાંચો, રાજુ અને ફરહાનની ત્રિપુટી મોટા પડદા પર 'ઓલ ઈઝ વેલ' ના નારા સાથે ધૂમ મચાવવા તૈયાર છે.
10 વર્ષનો લીપ અને નવી કહાની
આમિર ખાને આ ફિલ્મ વિશે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, સિક્વલની વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાં 2009ની ફિલ્મ પૂરી થઈ હતી, પરંતુ તેમાં 10 વર્ષનો મોટો લીપ (સમયગાળો) બતાવવામાં આવશે. રાજકુમાર હિરાણી અને અભિજાત જોશી હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આમિરે કહ્યું, "મેં વાર્તા સાંભળી છે અને તે અદ્ભુત છે. તે મૂળ ફિલ્મનો જાદુ અને રમૂજ જાળવી રાખશે, પણ એક સાવ નવા અને અનોખા પરિપ્રેક્ષ્ય સાથે."
જૂની ટીલડી ફરી ભેગી થશે
ચાહકો માટે સૌથી આનંદની વાત એ છે કે આ સિક્વલમાં કોઈ નવા કલાકારો નહીં, પણ જૂની અને જાણીતી સ્ટાર કાસ્ટ જ જોવા મળશે. આમિર ખાન (રાંચો), આર. માધવન (ફરહાન) અને શરમન જોશી (રાજુ) પોતપોતાના આઇકોનિક પાત્રોમાં પરત ફરશે. આ ઉપરાંત કરીના કપૂર (પિયા), બોમન ઈરાની (વાયરસ) અને મોના સિંહ પણ આ ફિલ્મનો હિસ્સો બને તેવી પ્રબળ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2009માં માત્ર 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી ઇતિહાસ રચ્યો હતો.
પુત્રની ફિલ્મના બહાને આપ્યો મોટો હિન્ટ
આમિર ખાને આ ધમાકેદાર જાહેરાત તેના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ 'એક દિન' ના પ્રમોશન દરમિયાન કરી હતી. આ દરમિયાન તેણે એમ પણ જણાવ્યું કે રાજકુમાર હિરાણી દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સ્ક્રિપ્ટથી સંતુષ્ટ ન હોવાથી હાલ તે પ્રોજેક્ટ મોકૂફ રાખીને તેમનું સંપૂર્ણ ધ્યાન '3 ઈડિયટ્સ 2' ને શ્રેષ્ઠ બનાવવામાં લગાવી દીધું છે.
17 વર્ષના લાંબા ઇન્તજાર બાદ જ્યારે 'ફુનસુક વાંગડુ' ફરી પડદા પર આવશે, ત્યારે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તૂટે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. 2009ની તે યાદો ફરી તાજી થવા જઈ રહી છે જેણે દરેક વિદ્યાર્થીને પોતાની મરજી મુજબ જીવવાની પ્રેરણા આપી હતી.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
