News of Monday, 18th May 2026
અક્ષય કુમારનો બોક્સ ઓફિસ પર વિસ્ફોટ: 'ભૂત બંગલા' એ 'કાંતારા 1' ને પછાડીને રચ્યો નવો ઈતિહાસ!
પ્રિયદર્શન અને અક્ષયની જોડીએ ફરી જમાવ્યું હોરર-કોમેડીનું જાદુ: 276 કરોડની વિશ્વવ્યાપી કમાણી સાથે 'બાજીરાવ મસ્તાની' અને '2.0' ના રેકોર્ડ્સ તોડ્યા : હવે 'મિશન મંગલ'ના ટાર્ગેટ તરફ આગળ વધતી ફિલ્મ

મુંબઈ: બોક્સ ઓફિસ પર હાલમાં જો કોઈ નામનો સિક્કો પડતો હોય તો તે છે અક્ષય કુમારની લેટેસ્ટ હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બાંગ્લા'. લાંબા સમય બાદ અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની જોડીએ મોટા પડદા પર વાપસી કરી છે અને પ્રેક્ષકોને હસાવવાની સાથે ડરાવવામાં પણ સફળ રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, ફિલ્મે કમાણીના તમામ પૂર્વ અનુમાનોને પાછળ છોડી દીધા છે. પાંચમા સપ્તાહના અંતે પણ ફિલ્મની પકડ ઢીલી પડી નથી અને તેણે વિશ્વભરમાં કુલ ₹276.21 કરોડનો આંકડો વટાવી દીધો છે. ₹120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ હવે નિર્માતાઓ માટે નફાનો સોદો સાબિત થઈ રહી છે.
આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે સાઉથની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'કાંતારા ચેપ્ટર 1' ના હિન્દી વર્ઝનને વિશ્વવ્યાપી કમાણીમાં માત આપી છે. 'કાંતારા 1' એ ₹274.94 કરોડનું કલેક્શન કર્યું હતું, જેને 'ભૂત બાંગ્લા' એ આસાનીથી પાર કરી લીધું છે. આટલું જ નહીં, રજનીકાંતની બિગ બજેટ ફિલ્મ '2.0' (₹275 કરોડ) અને સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની' (₹184 કરોડ - ભારત) ને પણ પછાડીને અક્ષયની આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે આજે પણ હોરર-કોમેડી જોનર પ્રેક્ષકોની પહેલી પસંદ છે. હવે આ ફિલ્મનું આગામી લક્ષ્ય અક્ષય કુમારની જ પોતાની ફિલ્મ 'મિશન મંગલ' (₹287.18 કરોડ) ના રેકોર્ડને તોડવાનું છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ આ સફળતાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. પરેશ રાવલ અને રાજપાલ યાદવની કોમેડી ટાઈમિંગ, તબ્બુનો મજબૂત અભિનય અને વામિકા ગબ્બી સાથે અક્ષયની કેમિસ્ટ્રીએ જાદુ કર્યો છે. ફિલ્મની વાર્તા એક જૂની હવેલીની આસપાસ ફરે છે, જ્યાં અક્ષય કુમાર પોતાની બહેન (મિથિલા પાલકર) ના લગ્ન કરાવવા માંગે છે, પરંતુ ત્યાં રહેલા અશુભ તત્વો અને ભૂતોના કારણે સર્જાતી રમૂજી અને ભયાનક ઘટનાઓ પ્રેક્ષકોને સીટ સાથે જકડી રાખે છે. 'ભુલભુલૈયા' બાદ અક્ષય કુમારની આ બીજી એવી હોરર-કોમેડી છે જે આટલી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
