<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અજય દેવગનની ‘દૃશ્યમ ૩’ એ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાકો: એડવાન્સ બુકિંગમાં ઓપનિંગ ડે માટે વેચાઈ ૨.૨૦ લાખથી વધુ ટિકિટો, ગુજરાત પણ રેસમાં આગળ!

ગાંધી જયંતિના પવિત્ર અવસરે ૨ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે 'દૃશ્યમ ૩': રૂ. ૧૭ કરોડથી વધુની એડવાન્સ કમાણી સાથે વિજય સાલગાંવકરની સ્ટોરી જોવા ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ

મુંબઈ : સુપરસ્ટાર અજય દેવગન, તબ્બુ અને જયદીપ અહલાવત જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દૃશ્યમ-૩' સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ માટે દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. રિલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શરૂ કરાયેલા એડવાન્સ બુકિંગમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં ઓપનિંગ ડે માટે જ આશરે ૨.૨૦ લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે અને એડવાન્સ બુકિંગનો આંકડો રૂ. ૧૭ કરોડને પાર પહોંચી ગયો છે.

 

મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ બુકિંગના મામલે ગુજરાત ત્રીજા ક્રમે!

 

શનિવાર સાંજથી શરૂ થયેલા પ્રી-સેલ્સ બુકિંગમાં મંગળવાર સવાર સુધીમાં જ અદભુત રિસ્પોન્સ જોવા મળ્યો છે. દેશભરમાંથી થઈ રહેલા ભવ્ય બુકિંગમાં સૌથી વધુ ટિકિટો મહારાષ્ટ્રમાંથી વેચાઈ છે, જ્યારે બીજા નંબરે દિલ્હી અને ત્રીજા નંબરે ગુજરાતે બાજી મારી છે. દિલ્હીમાં જ માત્ર એક જ દિવસમાં રૂ. ૨ કરોડથી વધુની ટિકિટો બુક થઈ ગઈ હતી. નોન-બ્લોક્ડ સીટ્સની ગણતરી કરીએ તો પણ મંગળવાર સવાર સુધીમાં ચોખ્ખી રૂ. ૧૦ કરોડથી વધુની કમાણી એડવાન્સ બુકિંગ દ્વારા થઈ ચૂકી છે, જે દર્શાવે છે કે વિજય સાલગાંવકર અને તેના પરિવારની સસ્પેન્સથી ભરેલી વાર્તા જોવા ફેન્સ કેટલા આતુર છે.

 

ફરી એકવાર મળશે સસ્પેન્સ અને થ્રિલરનો જબરદસ્ત ડોઝ!

 

'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝીના ફેન્સ એવું માની રહ્યા છે કે આ વખતે વાર્તાનો આખરી અને રોમાંચક અંત જોવા મળશે. આ ફિલ્મ બાદ અજય દેવગન રોહિત શેટ્ટી સાથેના આગામી મોટા પ્રોજેક્ટમાં જોડાવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૬માં બોલીવૂડમાં સિક્વલ ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે 'દૃશ્યમ-૩' દર્શકોને ફરી એકવાર થ્રિલર અને કિલર સસ્પેન્સનો શ્રેષ્ઠ અનુભવ કરાવવા માટે પૂરી રીતે તૈયાર છે. રિલીઝ બાદ આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ તોડે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

(8:52 PM IST)