<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

આવારાપન-2 ફિલ્મ રિલીઝ થયાનાં 2 દિવસમાં જ સુપર હિટ : પ્રોડ્યુસર વિશેષ ભટ્ટએ નવી ફિલ્મ ‘જન્નત-3’ની જાહેરાત કરી

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી લાંબા સમય બાદ બોક્સ ઓફિસ પર છવાયો: ફિલ્મ ‘આવારાપન-2’ એ માત્ર 2 દિવસમાં જ 50 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી ફિલ્મનું સંપૂર્ણ બજેટ કવર કરી લીધું

આવારાપન-2 ફિલ્મ રિલીઝ થયાનાં 2 દિવસમાં જ હિટ સાબિત થઈ ગઈ છે. જેનાંથી ખુશ થઈ પ્રોડ્યુસર વિશેષ ભટ્ટ એ નવી ફિલ્મ ‘જન્નત-3’ની જાહેરાત કરી છે. આ ઈમરાન હાશ્મીની વધુ એક આઈકોનિક ફિલ્મ રહી છે. જેની સિક્વલ આવી હતી પરંતુ તે પ્રથમ ફિલ્મ જેવી છાપ છોડી શકી નહોતી. બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી લાંબા સમય બાદ બોક્સ ઓફિસ પર છવાયો છે. ફિલ્મ ‘આવારાપન-2’ એ માત્ર 2 દિવસમાં જ 50 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી ફિલ્મનું સંપૂર્ણ બજેટ કવર કરી લીધું છે. જેનો અર્થ એ છે કે- આ ફિલ્મ હિટ સાબિત થઈ ચૂકી છે. ઈમરાન હાશ્મીને આ ફિલ્મના કલેક્શનથી તેના કરિયરની સૌથી સફળ સોલો ફિલ્મ મળવાની છે, જે તેના ફેન માટે મોટા સમાચાર રહેશે.

 

23 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહેલા ઈમરાન હાશ્મીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મ્સ આપી છે. તેની ઘણી ફિલ્મની સિક્વલ પણ આવી છે. જોકે- પ્રથમ ફિલ્મ જેવી સફળતા લગભગ કોઈ સિક્વલને મળી નથી. હવે આવારાપન-2ની સફળતા બાદ ઈમરાનની વધુ એક આઈકોનિક ફિલ્મની સિક્વલની જાહેરાત થઈ ચૂકી છે. જે ફેન ફેવરિટ ફિલ્મ પણ છે. આવારાપન બનાવનાર વિશેષ ફિલ્મ્સનાં પ્રોડ્યુસર વિશેષ ભટ્ટ એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ હવે ‘જન્નત 3’ પર કામ કરી રહ્યાં છે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ઈમરાન હાશ્મી જ જોવા મળશે. જોકે- હાલ શૂટિંગ અને રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી.

 

જન્નત ફ્રેન્ચાઈઝીનો પ્રારંભ વર્ષ 2008માં થયો હતો. કહાની ક્રિકેટમાં સટ્ટો લગાવનાર અર્જુન દીક્ષિતની હતી. આ ફિલ્મમાં સોનલ ચૌહાણે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પણ વિશેષ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી અને ફિલ્મ સુપર હિટ રહી હતી. જે પછી 2012માં ‘જન્નત-2’ આવી હતી, જેમાં ઈમરાન હાશ્મી સાથે ઈશા ગુપ્તા હતી. જોકે- આ ફિલ્મ એટલી સફળ નહોતી રહી. જોકે- ફિલ્મનાં ગીતો સુપરહિટ રહ્યાં અને આજેપણ લોકોને ગમે છે. હવે આવારાપન-2 બાદ વિશેષ ભટ્ટ એ જ જૂનો જાદુ ફરી રિક્રિએટ કરવા માગે છે. આ એક રીતે ઈમરાન હાશ્મીના નવા યુગનો પ્રારંભ છે. જેમાં તેની ફિલ્મ્સ સતત લોકોના દિલ જીતી રહી છે. ઈમરાને આ અગાઉ ‘હક’ ફિલ્મ કરી હતી, જે ક્રિટિક્સને ઘણી ગમી હતી. 

(10:09 PM IST)