News of Monday, 9th November 2026
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીના ઘરે દિવાળીની રાત્રે સર્જાઈ મોટી દુર્ઘટના, બાલ્કનીમાં ફટાકડાનો રોકેટ પડવાથી સોફામાં લાગી આગ
પાલતુ કૂતરાઓની સમજદારી અને ફાયર રેઝિસ્ટન્ટ ફેબ્રિકના કારણે ટળી મોટી હોનારત, અગ્નિહોત્રીએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ

મુંબઈ : પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દિવાળીની રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રવિવારની રાત્રે અચાનક એક અનિયંત્રિત રોકેટ તેમની ઘરની બાલ્કનીમાં આવીને પડ્યું હતું, જેના કારણે ત્યાં રાખેલા સોફામાં આગ લાગી ગઈ હતી. સદ્નસીબે તેમના પાલતુ કૂતરાઓએ સમયસર ભસીને પરિવારને સતર્ક કરી દીધો હતો અને સોફામાં વપરાયેલા ફાયર રેઝિસ્ટન્ટ ફેબ્રિકને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી, જેનાથી એક મોટી હોનારત ટળી ગઈ હતી. આ ભયાનક ઘટના બાદ નિર્માતાએ સોશિયલ મીડિયા પર પોતાની પીડા અને ચિંતા વ્યક્ત કરી છે.
આ ઘટના બાદ મુંબઈના મેયર રુતુ તાવડેના આ અપીલવાળા વિડિયો પર પ્રતિક્રિયા આપતા વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના બેકાબૂ રોકેટ કોઈ સાંસ્કૃતિક ગૌરવ નથી પરંતુ તે સીધી રીતે આગનું મોટું જોખમ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આપણી મહાન સંસ્કૃતિ ક્યારેય નિર્દોષ લોકોના જીવ, ઘર અને મિલકતને જોખમમાં મૂકવાની પરવાનગી આપતી નથી. તેમણે ઉમેર્યું કે મેયરની અપીલ કદાચ થોડી મોડી આવી છે, પરંતુ કડક અમલીકરણ વિના આ અપીલોનો કોઈ જ અર્થ સરતો નથી.
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં લખ્યું કે માત્ર ફટાકડા ફોડનારા જ નહીં, પરંતુ જાગૃતિ ફેલાવવા, અદાલતના આદેશોનું પાલન કરાવવા, આગની સલામતી સુનિશ્ચિત કરવા અને આવા નિયમોના ભંગને અટકાવવા માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સત્તાવાળાઓ મુંબઈભરમાં બનેલી આગની તમામ ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરશે અને જ્યાં પણ બેદરકારી કે કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળતા સાબિત થશે, ત્યાં જવાબદારી ચોક્કસપણે નક્કી કરવામાં આવશે.
પોતાની વાતને વધુ મજબૂત કરવા માટે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો કે જવાબદારીના પદ પર બેઠેલી વ્યક્તિ જેવું આચરણ કરે છે, બીજા લોકો પણ તેનું જ અનુકરણ કરે છે અને તેઓ જે ધોરણો નક્કી કરે છે, સમાજ તે જ માર્ગ અપનાવે છે. આ ઘટના બાદ કુણાલ કોહલી, ભૂમિ પેડનેકર અને ઉર્ફી જાવેદ સહિતની ઘણી હસ્તીઓએ પણ મુંબઈમાં મોટા પાયે ફોડાતા ફટાકડા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
