તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
પરદેશમાં પંજાબી મહેમાનગતિની અનોખી મિસાલ: પેરિસમાં તાવથી પીડાતી પ્રીતિ ઝિંટા માટે અજાણ્યા પરિવારે ઘરેથી મોકલ્યા ગરમાગરમ 'કઢી-ભાત'
વિદેશની ધરતી પર બીમાર પડેલી બોલીવૂડની 'ડિમ્પલ ગર્લ' ઘરમાં બનેલું દેશી કમ્ફર્ટ ફૂડ જોઈને ભાવુક થઈ; સોશિયલ મીડિયા પર ફેવરિટ ટિફિનનો વિડિયો શેર કરીને વ્યક્ત કર્યો આભાર.

પેરિસ તા.28: બોલીવૂડની લોકપ્રિય 'ડિમ્પલ ગર્લ' પ્રીતિ ઝિંટા હાલમાં પેરિસની મુલાકાતે છે. વિદેશની ધરતી પર પ્રીતિ સાથે એક અત્યંત હૃદયસ્પર્શી અને યાદગાર ઘટના બની છે, જેનો અનુભવ તેણે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પેરિસ રોકાણ દરમિયાન પ્રીતિ ઝિંટા અચાનક ભારે તાવમાં સપડાઈ ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં પેરિસમાં રહેતા એક સ્થાનિક ભારતીય (પંજાબી) પરિવારને તેની બીમારીની જાણ થતાં, તેમણે પોતાના ઘરેથી પ્રેમપૂર્વક દેશી ભોજન બનાવીને પ્રીતિ માટે મોકલ્યું હતું.
અજાણ્યા પરિવારના આ સ્નેહ અને 'પંજાબી હોસ્પિટાલિટી' (મહેમાનગતિ)થી અભિનેત્રી અત્યંત ભાવુક બની ગઈ હતી. પ્રીતિએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તે ટિફિન બોક્સ ખોલતી જોવા મળે છે. ટિફિનમાં આલૂ-ગોભીનું શાક અને તેનું સૌથી પ્રિય કમ્ફર્ટ ફૂડ 'કઢી-ભાત' જોઈને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
વિડિયોમાં દેશી ખાદ્ય સામગ્રી દર્શાવતા પ્રીતિ કહે છે, "ઓહ માય ગોડ, કઢી-ચાવલ! જ્યારે તમે પરદેશમાં હોવ અને બીમાર પડો ત્યારે આવું દેશી ભોજન જ તમને સાજા કરી શકે છે. પેરિસના આ અદ્ભુત પરિવારનો ખૂબ ખૂબ આભાર. દુનિયાના કોઈપણ ખૂણે પંજાબી મહેમાનગતિ શા માટે શ્રેષ્ઠ ગણાય છે તેનો આ જ્વલંત પુરાવો છે." ચાહકો પણ સોશિયલ મીડિયા પર આ વિડિયો પર ઉષ્માભરી કમેન્ટ્સ કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, પેરિસ પ્રવાસ દરમિયાન પ્રીતિ ઝિંટાએ શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે પેરિસ સ્થિત ગણેશ મંદિરમાં જઈને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના પણ કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રીતિએ તાજેતરમાં જ ડિરેક્ટર રાજકુમાર સંતોષીની બહુચર્ચિત ફિલ્મ 'બંટવારા 1947' (Bantwara 1947) દ્વારા 8 વર્ષના લાંબા અંતરાલ પછી બોલિવૂડમાં ધમાકેદાર વાપસી કરી છે. 14મી ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
