<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ‘ધુરંધર 2’નો ઐતિહાસિક વિજય : રિલીઝના માત્ર 18 દિવસમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ

આમિર ખાનની ‘દંગલ’ અને શાહરૂખ ખાનની ‘પઠાણ’ના રેકોર્ડ ધ્વસ્ત : ભારતીય સિનેમાના ઈતિહાસમાં ‘બાહુબલી 2’ અને ‘પુષ્પા 2’ બાદ આ જાદુઈ આંકડો સ્પર્શનારી ત્રીજી ફિલ્મ બની

મુંબઈ: રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે રિલીઝના માત્ર 18 દિવસમાં ઘરેલું બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો નેટ કલેક્શનનો આંકડો પાર કરીને બોલિવૂડની સૌથી સફળ ફિલ્મ તરીકે પોતાનું નામ અંકિત કર્યું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 'બાહુબલી 2' અને 'પુષ્પા 2' જેવી ફિલ્મો જ આ ખાસ ક્લબમાં સામેલ હતી, જેમાં હવે 'ધુરંધર 2' એ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

બોક્સ ઓફિસ પર કલેક્શનની ગતિ:
ફિલ્મે તેના પ્રથમ બે અઠવાડિયામાં જ ભારતભરમાં 938 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી હતી. ત્રીજા શુક્રવારે કમાણીમાં 20% થી વધુનો ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે 21.55 કરોડ રૂપિયા મેળવ્યા હતા. શનિવારે (4 એપ્રિલ) પ્રદર્શન વધુ સુધર્યું અને 25.65 કરોડ રૂપિયાની કમાણી સાથે 17 દિવસમાં કુલ કલેક્શન 985 કરોડ સુધી પહોંચ્યું હતું. આજે રવિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ફિલ્મે વધારાના 17 કરોડ રૂપિયા મેળવીને 1000 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. જે રીતે ફિલ્મની રફ્તાર જોવા મળી રહી છે, તે જોતા તે ટૂંક સમયમાં 1100 કરોડનો આંકડો પણ પાર કરે તેવી પૂરી શક્યતા છે.

દંગલ અને પઠાણના રેકોર્ડ પાછળ છૂટ્યા:
હિન્દી સિનેમા માટે આ સિદ્ધિ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્રણ વર્ષ પહેલા શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' એ આનાથી અડધી કમાણી કરી હતી. એ જ રીતે, વર્ષો સુધી ભારતીય બોક્સ ઓફિસ પર રાજ કરનારી આમિર ખાનની 'દંગલ' નું કલેક્શન 'ધુરંધર 2' ની કમાણીના ત્રીજા ભાગ જેટલું જ હતું. રણવીર સિંહની આ ફિલ્મે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ગણાતી ફિલ્મો કરતા બે થી ત્રણ ગણી વધુ કમાણી કરીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

ભારતીય સિનેમાનો બદલાતો ટ્રેન્ડ:
લગભગ બે દાયકા પહેલા આમિર ખાનની 'ગજની' એ પ્રથમ વખત ઘરેલું બજારમાં 100 કરોડનો આંકડો સ્પર્શીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. અગાઉ 'ડિસ્કો ડાન્સર', 'હમ આપકે હૈ કૌન' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી ફિલ્મોએ 100 કરોડ કમાયા હતા, પરંતુ તેમાં વિદેશી કલેક્શન જોડાયેલું હતું. માત્ર 18 વર્ષના ટૂંકા ગાળામાં કોઈ હિન્દી ફિલ્મ માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરે તે અત્યંત આશ્ચર્યજનક અને ગર્વની બાબત છે. આદિત્ય ધર દ્વારા નિર્મિત આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે ભારતીય દર્શકો દમદાર કન્ટેન્ટને વૈશ્વિક સ્તરે આવકારે છે.

(11:17 PM IST)