<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

'મર્દાની 3' ના OTT રિલીઝ સાથે વીકેન્ડ બનશે ધમાકેદાર: થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે નેટફ્લિક્સ પર ત્રાડ નાખશે શિવાની શિવાજી રોય

ગુનેગારોના ખરાબ દિવસો શરૂ! આવતીકાલથી ઘરે બેઠા માણી શકાશે રાની મુખર્જીનો એક્શન અવતાર; જાણો બુલંદશહેરની એ ભયાનક વાર્તા જેણે પ્રેક્ષકોને હચમચાવી દીધા

મુંબઈ, તા.26: બોલિવૂડની 'મર્દાની' ક્વીન રાની મુખર્જીના ચાહકો માટે આ સપ્તાહાંત ખુશીઓની ભેટ લઈને આવ્યો છે. આ વર્ષે ૩૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર શાનદાર દેખાવ કરનારી ફિલ્મ 'મર્દાની 3' હવે ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપી રહી છે. જો તમે આ ફિલ્મને થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોવ, તો હવે તમારા ડ્રોઈંગ રૂમમાં બેસીને શિવાની શિવાજી રોયની બહાદુરી જોવાનો સમય આવી ગયો છે.

ક્યારે અને ક્યાં થશે રિલીઝ?

નેટફ્લિક્સ ઇન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે 'મર્દાની 3' આવતીકાલે, ૨૭ માર્ચથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર રાની મુખર્જીનો દમદાર ફોટો શેર કરતા લખ્યું, "સિંહણ શિકાર કરવા આવી રહી છે, ગુનેગારો સાવધાન!" આ સમાચાર સાંભળતા જ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શું છે ફિલ્મની રૂવાડા ઉભા કરી દેતી વાર્તા?

અભિરાજ મીનાવાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી શરૂ થાય છે. અહીં છોકરીઓના અપહરણની એક ભયાનક ગેંગ સક્રિય છે, જેનું સંચાલન 'અમ્મા' નામની એક ક્રૂર મહિલા કરે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે આ ગેંગ એક વરિષ્ઠ અધિકારીની પુત્રીનું અપહરણ કરે છે. તપાસ દરમિયાન રાની મુખર્જી એટલે કે એસપી શિવાની શિવાજી રોય સામે એવા સત્યો આવે છે જે માનવતાને શર્મસાર કરી દે તેવા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પ્રેક્ષકોને હચમચાવી મૂકે તેવો છે.

બોક્સ ઓફિસ પર 'મર્દાની'ની હેટ્રિક

યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'મર્દાની 3' એ કમાણીના મામલે અગાઉના બંને ભાગોને પાછળ છોડી દીધા છે. આ ફિલ્મે વિશ્વભરમાં ₹76.20 કરોડનું કલેક્શન કર્યું છે. તેની સરખામણીએ 'મર્દાની 2' એ ₹67 કરોડ અને 2014 માં આવેલી પહેલી 'મર્દાની' એ ₹59.30 કરોડની કમાણી કરી હતી.

ત્યારે તૈયાર થઈ જાઓ, આ શુક્રવારથી નેટફ્લિક્સ પર એક એવી લડાઈ જોવા માટે જ્યાં ન્યાય અને હિંમતનો વિજય થાય છે.

 

(5:01 PM IST)