તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
બોલિવૂડની 'ધાકડ' ગર્લ કંગના રનૌત @ ૪૦: ડૉક્ટર બનવાનું સપનું છોડી એક્ટ્રેસ બનવા મુંબઈ આવી; આદિત્ય પંચોલીના ડરથી પહેલા માળેથી મારી હતી કૂદકો, ચંબલના ડાકુઓએ પણ ઘેરી હતી
હિમાચલની સામાન્ય છોકરીથી ૪ નેશનલ એવોર્ડ જીતનાર સુપરસ્ટાર સુધીની સફર; ૧૬ વર્ષની ઉંમરે ઘર છોડ્યું, અથાણાં-બ્રેડ ખાઈને દિવસો કાઢ્યા અને કરણ જોહર જેવા દિગ્ગજો સામે બાથ ભીડી

મુંબઈ: હિન્દી સિનેમાની સૌથી ચર્ચિત અને નીડર અભિનેત્રી કંગના રનૌત આજે ૪૦ વર્ષની થઈ છે. ૨૩ માર્ચ, ૧૯૮૬ના રોજ હિમાચલના મંડી જિલ્લામાં જન્મેલી કંગનાની સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. માતા-પિતા તેને ડૉક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ ૧૨મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં નાપાસ થયા પછી તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. માત્ર ૧૬ વર્ષની ઉંમરે દિલ્હી અને ત્યારબાદ મુંબઈ આવેલી કંગનાએ શરૂઆતના દિવસોમાં માત્ર બ્રેડ અને અથાણાં ખાઈને દિવસો પસાર કર્યા હતા.
કંગનાનું નસીબ ત્યારે ચમક્યું જ્યારે મહેશ ભટ્ટની ઓફિસમાં 'ગેંગસ્ટર' ફિલ્મ માટે ઓડિશન આપવા ગયેલી કંગનાને નિર્માતાઓએ પાસપોર્ટ વિશે પૂછ્યું. ચિત્રાંગદા સિંહે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડતા કંગનાને તક મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. આજે કંગના પાસે ૪ નેશનલ એવોર્ડ છે, જે શબાના આઝમી પછી કોઈ પણ અભિનેત્રી માટે સૌથી વધુ છે.
આદિત્ય પંચોલી અને શોષણનો એ ભયાનક દોર
કંગનાની કારકિર્દી જેટલી તેજસ્વી રહી છે, તેનું અંગત જીવન તેટલું જ વિવાદાસ્પદ રહ્યું છે. કંગનાએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે કરિયરની શરૂઆતમાં આદિત્ય પંચોલીએ તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું. પંચોલીના ત્રાસથી બચવા માટે કંગનાએ એકવાર પોતાના ઘરના પહેલા માળેથી કૂદકો મારવો પડ્યો હતો અને ખુલ્લા પગે રસ્તા પર રિક્ષા પકડીને ભાગવું પડ્યું હતું. તે મુશ્કેલ સમયમાં નિર્દેશક અનુરાગ બાસુ અને તેમની પત્નીએ કંગનાને ૧૫ દિવસ સુધી પોતાની ઓફિસમાં છુપાવી રાખી હતી.
ચંબલના ડાકુઓ અને બંદૂકની અણીએ ફોટોની જીદ
૨૦૧૩માં 'રિવોલ્વર રાની'ના શૂટિંગ દરમિયાન કંગનાનો સામનો અસલી ડાકુઓ સાથે થયો હતો. મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાં ૧૨-૧૫ સશસ્ત્ર ડાકુઓએ કંગનાના કાફલાને રોક્યો હતો. ડાકુઓ કંગના સાથે ફોટો પડાવવાની જીદ કરી રહ્યા હતા અને કાફલાને આગળ વધવા દેતા નહોતા. જોકે, નિર્દેશક સાઈ કબીરની સમજાવટ અને મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો અને કંગના સુરક્ષિત રીતે ગ્વાલિયર પહોંચી હતી.
નેપોટિઝમ અને મૂવી માફિયા સામેની જંગ
કંગનાએ કરણ જોહરના જ શોમાં તેને 'મૂવી માફિયા' અને 'નેપોટિઝમનો ધ્વજવાહક' કહીને આખા બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ તેણે આ લડાઈ વધુ ઉગ્ર બનાવી અને સ્ટાર કિડ્સ વિરુદ્ધ મોરચો ખોલ્યો. ઋતિક રોશન સાથેનો તેનો ઈમેલ વિવાદ હોય કે જાવેદ અખ્તર સાથેનો માનહાનિનો કેસ, કંગના ક્યારેય ઝૂકી નથી. જોકે, ૨૦૨૫માં જાવેદ અખ્તર સાથેના કેસમાં તેણે માફી માંગી વિવાદનો અંત આણ્યો હતો.
આગામી પ્રોજેક્ટ્સ:
કંગના હાલમાં ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' માં કામ કરી રહી છે, જેમાં તે એક નર્સની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય 'એમરજન્સી' અને 'દ્રશ્યમ ૩' જેવી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
