<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

નોરા ફતેહીનો મોટો ધડાકો: "મને અંધારામાં રાખીને ગીતમાં અભદ્ર શબ્દો ઉમેરાયા", વિવાદિત 'સરકે ચુનાર' ગીત બદલ માફી માંગી પ્રોજેક્ટથી છેડો ફાડ્યો

સંજય દત્ત સાથેના ગીતમાં AI ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અને અશ્લીલ ડબિંગનો આરોપ: સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ બાદ નિર્માતાઓએ યુટ્યુબ પરથી ગીત હટાવ્યું

મુંબઈ, તા.૧૮: બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી હાલમાં પોતાની આગામી ફિલ્મ 'KD: ધ ડેવિલ'ના એક ગીતને લઈને ભારે વિવાદમાં સપડાઈ છે. 'સારકે ચુનાર તેરી સારકે' ગીતના હિન્દી સંસ્કરણમાં વપરાયેલા ડબલ મિનિંગ અને અભદ્ર શબ્દો સામે સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ વિવાદ પર મૌન તોડતા નોરાએ બુધવારે એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે ગીતના હિન્દી અનુવાદ વિશે તેને કોઈ જ જાણકારી નહોતી અને તેની પરવાનગી વગર જ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નોરાએ ખુલાસો કર્યો કે આ ગીત તેણે ત્રણ વર્ષ પહેલા કન્નડ ભાષામાં શૂટ કર્યું હતું. તેણે જણાવ્યું કે, "મેં આ ફિલ્મમાં કામ કરવાની હા એટલા માટે પાડી હતી કારણ કે તેમાં સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકાર હતા. શૂટિંગ દરમિયાન મને જે ભાષાંતર સમજાવવામાં આવ્યું હતું તેમાં કંઈ પણ અયોગ્ય નહોતું. પરંતુ હવે જ્યારે આ ગીત હિન્દીમાં ડબ કરવામાં આવ્યું, ત્યારે તેમાં અત્યંત અભદ્ર શબ્દો ઉમેરવામાં આવ્યા છે, જેની મને જાણ સુધ્ધાં કરવામાં આવી નથી." નોરાએ વધુમાં આક્ષેપ કર્યો કે ગીતમાં તેની અને સંજય દત્તની AI દ્વારા જનરેટ કરેલી છબીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની તે સખત વિરોધી છે.

અભિનેત્રીએ પોતાની છબી અને પ્રતિષ્ઠા જોખમમાં હોવાનું જણાવીને આ પ્રોજેક્ટથી પોતાને અલગ કરી દીધી છે. તેણે ભાવુક થઈને કહ્યું કે, "હું કોઈ નેપો-કિડ (સ્ટાર કિડ) નથી, મારી પાછળ કોઈ મોટી શક્તિ નથી. મારી શક્તિ ફક્ત મારા પ્રેક્ષકો છે." નોરાએ મીડિયાને પણ વિનંતી કરી છે કે આવા વિવાદોમાં કલાકારોને જવાબદાર ઠેરવવાને બદલે ફિલ્મ નિર્માતાઓને પ્રશ્નો પૂછવા જોઈએ, કારણ કે કલાકારો પાસે સર્જનાત્મક બાબતો પર બહુ ઓછું નિયંત્રણ હોય છે.

ઉલ્લેખનીય છે કે, ૧૬ માર્ચ સુધી યુટ્યુબ પર ધૂમ મચાવતા આ ગીતમાં દારૂ અને બોટલના સંદર્ભમાં વપરાયેલા દ્વિઅર્થી શબ્દોને કારણે લોકોએ તેને 'અશ્લીલ' ગણાવ્યું હતું. વધતા વિરોધ અને નોરાની નારાજગી બાદ, ૧૭ માર્ચની સવાર સુધીમાં નિર્માતાઓએ સત્તાવાર રીતે આ ગીત યુટ્યુબ પરથી હટાવી દીધું છે. ધ્રુવ સરજા અને શિલ્પા શેટ્ટી સ્ટારર આ ફિલ્મ ૧૯૭૦ના દાયકાના બેંગલુરુ અંડરવર્લ્ડ પર આધારિત છે, પરંતુ હાલમાં તો તે ફિલ્મના વિષય કરતા આ વિવાદને કારણે વધુ ચર્ચામાં છે.

(5:37 PM IST)