તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
બિગ બીની ભાવુક પોસ્ટ: "માત્ર ઈંટોની દીવાલો નથી 'જલસા', તે લાખો ચાહકોના આશીર્વાદનું પવિત્ર ધામ છે!" – જાણો અમિતાભે કેમ ઘરને ગણાવ્યું દૈવી શક્તિ
30 વર્ષની યાદો, બાળકોના લગ્ન અને પૌત્ર-પૌત્રીઓનો કલરવ: અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર 'જલસા' સાથે જોડાયેલી અતૂટ લાગણીઓ ઠાલવી

મુંબઈ, તા.૦૨: હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા સતત તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. સોમવારે સવારે બિગ બીએ તેમના આઈકોનિક બંગલા 'જલસા' વિશે એક અત્યંત ભાવુક નોંધ શેર કરી હતી. તેમણે લખ્યું કે, લોકો માટે 'જલસા' કદાચ એક આલીશાન બંગલો હોઈ શકે, પરંતુ તેમના માટે તે લાખો હૃદયના આશીર્વાદ અને પ્રેમનું પ્રતીક છે. આ ઘર માત્ર પરિવારનો આશરો નથી, પણ ત્રણ દાયકાના અતૂટ વિશ્વાસની ગાથા છે.
ત્રણ દાયકાનું સાક્ષી છે 'જલસા'
પોતાના બ્લોગ પર દિલની વાત કરતા અમિતાભે લખ્યું, "આ ઘર છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી મારા પરિવારને સુરક્ષા અને આશ્રય આપી રહ્યું છે. આ જ દીવાલો વચ્ચે મારા બાળકો મોટા થયા, તેમના લગ્ન થયા અને આજે મારા પૌત્ર-પૌત્રીઓ પણ અહીં જ રમીને મોટા થઈ રહ્યા છે." તેમણે આ ઘરને કૌટુંબિક એકતા, ખુશીઓ અને સમય સાથે વહેતા જીવનનો જીવંત પુરાવો ગણાવ્યો હતો.
ચાહકોને ગણાવ્યા 'દૈવી શક્તિ'
દર રવિવારે 'જલસા'ની બહાર ઉમટી પડતી ભીડનો ઉલ્લેખ કરતા બિગ બીએ કહ્યું કે, "આજના ભાગદોડ ભર્યા જીવનમાં જ્યારે ચાહકો પોતાનો કિંમતી સમય કાઢીને મને મળવા અને મારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા આવે છે, ત્યારે મને તે કોઈ દૈવી અનુભૂતિથી ઓછું નથી લાગતું. તમારો આ નિઃસ્વાર્થ પ્રેમ જ મને સતત કામ કરવાની પ્રેરણા આપે છે." તેમણે 'જલસા'ને અસ્તિત્વની ભાવના અને હંમેશા જીવંત રહેતી ઉજવણીનું કેન્દ્ર ગણાવ્યું હતું.
વર્કફ્રન્ટ: 83ની ઉંમરે પણ બિગ બીનો દબદબો
અમિતાભ બચ્ચન માત્ર બ્લોગ લખવામાં જ નહીં, પણ ફિલ્મી પડદે પણ એટલા જ સક્રિય છે. હાલમાં તેઓ હૈદરાબાદમાં સાયન્સ-ફિક્શન ફિલ્મ "કલ્કી 2898 એડી પાર્ટ 2" ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેઓ 'અશ્વત્થામા'ના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત, તેઓ આગામી સમયમાં "બ્રહ્માસ્ત્ર પાર્ટ 2", "સેક્શન 84", "ધ ઇન્ટર્ન" અને "આંખેં 2" જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પોતાની અદાકારીનો જાદુ વિખેરશે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
