તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
થલાઈવા પણ પ્રામાણિકતા પર વારી ગયા! રજનીકાંતે સફાઈ કર્મચારીને ઘરે બોલાવી સોનાની ચેઈન ભેટ આપી
ચેન્નાઈની પદ્માને રસ્તા પરથી મળ્યા હતા 45 તોલા સોનાના દાગીના, લાલચ છોડી પોલીસને સોંપતા સુપરસ્ટાર થયા ખુશ

ચેન્નાઈ : દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત માત્ર પડદા પર જ નહીં, પણ ખરા અર્થમાં 'રિયલ લાઈફ હીરો' સાબિત થયા છે. ચેન્નાઈની એક સફાઈ કર્મચારી પદ્માની અજોડ પ્રામાણિકતાના કિસ્સાએ રજનીકાંતનું દિલ જીતી લીધું છે. પદ્માને રસ્તા પર સફાઈ કરતી વખતે લાખોની કિંમતના 45 સોવરિન (લગભગ 45 તોલા) સોનાના દાગીના ભરેલું પેકેજ મળ્યું હતું. કોઈ પણ લાલચ વગર તેમણે આ ઘરેણાં પોલીસ સ્ટેશન જમા કરાવ્યા, જેથી તે તેના અસલી માલિક સુધી પહોંચી શક્યા.
પદ્માના આ ઉમદા કાર્યની જાણ થતાં જ રજનીકાંતે તેમને સન્માનિત કરવાનું નક્કી કર્યું. તેમણે પદ્મા અને તેમના પરિવારને પોતાના ઘરે ખાસ આમંત્રણ આપ્યું હતું. રજનીકાંતે પદ્માને શાલ ઓઢાડી અને પોતાના હાથે સોનાની ચેઈન ભેટ આપીને તેમની પ્રામાણિકતાને બિરદાવી હતી. રજનીકાંતે પદ્માને પ્રોત્સાહિત કરતા કહ્યું કે સમાજને આજે આવા લોકોની ખૂબ જરૂર છે.
માત્ર રજનીકાંત જ નહીં, પણ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ પદ્માની આ નૈતિકતાની પ્રશંસા કરી હતી. સરકારે પદ્માને રૂપિયા 1 લાખનો ચેક ઈનામ તરીકે આપીને સન્માનિત કર્યા હતા. પદ્માએ મીડિયા સાથે વાત કરતા ભાવુક થઈને જણાવ્યું કે, "મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મને સુપરસ્ટાર રજનીકાંતને મળવાની અને તેમના હાથે સન્માન મેળવવાની તક મળશે."
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો રજનીકાંતની ઉદારતા તેમજ પદ્માની પ્રામાણિકતાને સલામ કરી રહ્યા છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
