તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
૫૦ની ઉંમરે અમીષા પટેલના દિલમાં ફરી પ્રેમની કૂંપણ ફૂંટી : શું કુણાલ ગુમર જ છે 'સકીના'ના સપનાનો 'તારા સિંહ'?
'કહો ના પ્યાર હૈ'થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રીના જીવનમાં મિસ્ટર રાઈટની એન્ટ્રી: બિઝનેસ પાર્ટનર કુણાલે સોશિયલ મીડિયા પર વરસાવ્યો પ્રેમ અને અમીષાએ હાર્ટ ઈમોજી સાથે આપી પ્રતિક્રિયા : અફવાઓનું બજાર ગરમ

મુંબઈ: બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર પોતાની ફિલ્મો કરતા વધુ અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 'ગદર' ફેમ અમીષા અત્યારે ૫૦ વર્ષની વયે પહોંચી હોવા છતાં તેની સુંદરતા અને ફિટનેસથી ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે, પરંતુ ફેન્સના મનમાં એક જ સવાલ હતો કે અમીષા લગ્ન ક્યારે કરશે? હવે એવું લાગી રહ્યું છે કે અમીષાની આ શોધ તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમર પર આવીને અટકી છે. તાજેતરમાં જ અમીષાએ ફિલ્મ ઉદ્યોગમાં ૨૬ વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે કુણાલે તેના માટે જે ખાસ સરપ્રાઈઝ અને રોમેન્ટિક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, તેણે બંને વચ્ચે મિત્રતા કરતા કંઈક વધુ હોવાના સંકેતો આપ્યા છે.
કુણાલ ગુમરે અમીષા માટે શેર કરેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણીની સફર અને સિદ્ધિઓના ભારોભાર વખાણ કર્યા છે. કુણાલે લખ્યું કે અમીષાએ જે કંઈ પણ હાંસલ કર્યું છે તે પોતાના દમ પર કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. આ ભાવનાત્મક પોસ્ટના જવાબમાં અમીષાએ 'હાર્ટ ઇમોજી' સાથે કુણાલનો આભાર માન્યો, જેણે ડેટિંગની અફવાઓને જોર આપ્યું છે. અગાઉ અમીષાનું નામ નિર્વાણ બિરલા સાથે પણ જોડાયું હતું, પરંતુ કુણાલ સાથેની તેની નિકટતા અને સતત જાહેર કાર્યક્રમોમાં સાથે દેખાવું હવે કંઈક અલગ જ ઈશારો કરી રહ્યું છે.
અમીષા પટેલના પ્રેમ સંબંધોનો ઈતિહાસ ઘણો લાંબો અને ચર્ચિત રહ્યો છે. ભૂતકાળમાં તેનું નામ નિર્દેશક વિક્રમ ભટ્ટ, બિઝનેસમેન નેસ વાડિયા અને કણવ પુરી જેવા દિગ્ગજો સાથે જોડાયું હતું, પરંતુ એકપણ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં. 'કહો ના પ્યાર હૈ'થી રાતોરાત સ્ટાર બનેલી અમીષા અત્યારે પણ ગ્લેમર વર્લ્ડમાં સક્રિય છે. હવે જોવાનું એ રહેશે કે શું કુણાલ ગુમર ખરેખર અમીષાના જીવનનો એ 'તારા સિંહ' સાબિત થશે જે તેને લગ્નના મંડપ સુધી લઈ જશે, કે પછી આ માત્ર એક ગાઢ મિત્રતા જ બની રહેશે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
