News of Wednesday, 14th January 2026
બોલિવૂડ અભિનેત્રી દિવ્યા દત્તાએ માનવતા અને ધીરજનો પાઠ ભણાવ્યો: “આ દુનિયામાં આપણે એકલા નથી, દરેકના અધિકારોનું સન્માન કરવું જ પડશે”
સહઅસ્તિત્વ અને સહિષ્ણુતા પર દિવ્યાની ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ; ‘ચાવા’ ફેમ અભિનેત્રીએ નકારાત્મકતા ફેલાવનારાઓને ધીરજ ધરવાની આપી સલાહ, ફેન્સ બોલ્યા - ‘દિલ જીતી લીધું’

મુંબઈ: બોલિવૂડમાં પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી દિવ્યા દત્તા માત્ર પડદા પર જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ પોતાની સંવેદનશીલતા માટે જાણીતી છે. તાજેતરમાં દિવ્યાએ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો સંદેશ શેર કરીને વર્તમાન સમયમાં ખુબ જ જરૂરી એવી ધીરજ અને માનવતા વિશે ઉંડાણપૂર્વક વાત કરી છે. દિવ્યાની આ પોસ્ટે ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચા જગાવી છે કે કેવી રીતે આપણે સાથે મળીને એક સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ.
“ભગવાને બધાને સમાન અધિકારો આપ્યા છે”
દિવ્યા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, "જો આપણે ઈચ્છીએ તો આપણે બધા એક જ જગ્યાએ સાથે રહી શકીએ છીએ. આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણને જે ગમે છે તે જ રહેશે અને જે નથી ગમતું તેને હટાવી દઈશું." દિવ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભગવાને દરેક જીવને સમાન અધિકારો આપ્યા છે. જો આપણે થોડી ધીરજ અને સહિષ્ણુતાથી કામ લઈએ તો ગમે તેવી જટિલ સમસ્યાનો પણ શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાય છે.
પરસ્પર આદર અને સમજણની જરૂર
અભિનેત્રીનો આ સંદેશ સમાજમાં વ્યાપી રહેલા વિખવાદો અને અસહિષ્ણુતા સામે એક અરીસો છે. તેણે પ્રાર્થના કરી કે દુનિયામાં બધું જ સારું થઈ જાય અને લોકોને એકબીજા પ્રત્યે આદર જાગે. દિવ્યાના આ ઉમદા વિચારો જોઈને તેના ચાહકો આફરીન પોકારી ગયા છે અને ટિપ્પણી વિભાગમાં હાર્ટ ઈમોજીસનો વરસાદ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે દિવ્યાએ સાબિત કરી દીધું છે કે તે એક સભાન નાગરિક પણ છે.
‘ચાવા’ પછી હવે ‘નાસ્તિક’ ની તૈયારી
વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિવ્યા દત્તા છેલ્લે વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'ચાવા'માં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઐતિહાસિક ફિલ્મમાં તેના અભિનયના ખુબ વખાણ થયા હતા. હવે તે ટૂંક સમયમાં શૈલેષ વર્મા દિગ્દર્શિત ફિલ્મ "નાસ્તિક" માં અર્જુન રામપાલ સાથે મોટા પડદા પર દેખાશે. આ ફિલ્મની રિલીઝ તારીખ હજુ જાહેર થઈ નથી, પરંતુ ફેન્સ દિવ્યાને ફરીથી પડદા પર જોવા આતુર છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
