તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
રણવીર સિંહની 'ધૂરંધર 2' ના તોફાન સામે અક્ષય કુમારે હથિયાર હેઠાં મૂક્યા? બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા 'ભૂત બાંગ્લા'ની રિલીઝ ડેટ ઠેલાઈ
'ધૂરંધર'ના મેગા સક્સેસથી બોલિવૂડમાં ફફડાટ; પ્રિયદર્શન અને અક્ષયની જોડીની મોસ્ટ અવેટેડ ફિલ્મ હવે એપ્રિલને બદલે મોડી રિલીઝ થશે

મુંબઈ:બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમાર પોતાની ફિલ્મોના પરફેક્ટ પ્લાનિંગ માટે જાણીતા છે, પરંતુ આ વખતે રણવીર સિંહની ફિલ્મ 'ધૂરંધર'ના ક્રેઝે અક્ષયને પણ વિચારતા કરી દીધા છે. વર્ષ ૨૦૨૫ના અંતમાં રિલીઝ થયેલી 'ધૂરંધર'ની અભૂતપૂર્વ સફળતા બાદ હવે તેની સિક્વલ 'ધૂરંધર 2' ૧૯ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના તોફાનથી બચવા માટે અક્ષય કુમારે પોતાની હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બાંગ્લા'ની રિલીઝ ડેટ લંબાવવાનો મોટો નિર્ણય લીધો હોવાના અહેવાલો વહેતા થયા છે.
અગાઉ અક્ષય કુમારની 'ભૂત બાંગ્લા' ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, અક્ષય અને ફિલ્મના નિર્માતાઓ જાણે છે કે 'ધૂરંધર 2' રિલીઝના બીજા-ત્રીજા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખશે. પોતાની ફિલ્મને નુકસાન ન થાય તે હેતુથી અક્ષયે અહંકાર છોડીને વ્યાવહારિક નિર્ણય લીધો છે. હવે આ ફિલ્મ અંદાજે ૮ થી ૧૨ અઠવાડિયા એટલે કે બે-ત્રણ મહિના મોડી રિલીઝ થઈ શકે છે.
તાજેતરમાં જ રણવીર સિંહની આ ફિલ્મની લોકપ્રિયતાને કારણે કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ 'તુ મેરી મેં તેરા...' તેમજ અન્ય લેટેસ્ટ રિલીઝ 'એક એક' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ ઉદાહરણો પરથી બોધપાઠ લઈને અક્ષય કુમાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. 'ધૂરંધર'ની વાર્તા અને રણવીરના અભિનયના વિવેક અગ્નિહોત્રી જેવા દિગ્દર્શકોએ પણ ભારોભાર વખાણ કર્યા છે.
'ભૂત બાંગ્લા' ચાહકો માટે એટલા માટે ખાસ છે કારણ કે 'ભૂલ ભુલૈયા' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર દિગ્દર્શક પ્રિયદર્શન અને અક્ષય કુમાર લગભગ ૧૪ વર્ષ પછી કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની ક્વોલિટી અને કલેક્શન સાથે કોઈ સમાધાન ન થાય તે માટે મેકર્સ હવે આરામથી ફિલ્મને રિલીઝ કરશે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
