તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
મોનાલિસાના નવા સફરની શરૂઆતઃ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી
હવે તેલુગુ ફિલ્મ ‘લાઈફ' સાઈન કરી, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ

ચેન્નાઈ,તા.૦૮: પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળા દરમિયાન રુદ્રાક્ષની માળા વેચતી એક સામાન્ય યુવતી, મોનાલિસા ભોંસલે, રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી. હવે આ યુવતી ફિલ્મ જગતમાં પોતાની એક નવી ઓળખ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પોતાની સુંદરતા, માસૂમિયત અને આકર્ષક આંખોથી સૌનું ધ્યાન ખેંચનારી મોનાલિસા આજે સફળતાના નવા શિખરો સર કરી રહી છે. મૂળરૂપે ઈન્દોરની રહેવાસી મોનાલિસા મહાકુંભ મેળામાં ભારે ભીડની વચ્ચે માળા વેચતી હતી.
મોનાલિસાનો શ્યામ વર્ણ, આકર્ષક એમ્બર રંગની આંખો અને તીક્ષ્ણ ચહેરાના નકશો દરેકને આકર્ષિત કરતા હતા. લોકો માળા ખરીદવા કરતાં તેની સાથે સેલ્ફી લેવા અને વિડિયો બનાવવામાં વધુ રસ દાખવવા લાગ્યા હતા.
મોનાલિસાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. તેને સહેજ પણ ખ્યાલ નહોતો કે આ જ પ્રસિદ્ધિ તેના માટે મનોરંજન જગતનો દરવાજો ખોલશે.
વાયરલ થયાના થોડા જ મહિનાઓમાં મોનાલિસાને બોલિવૂડ ફિલ્મમાં કામ કરવાની તક મળી. એવા અહેવાલ છે કે તેણે દિગ્દર્શક સનોજ મિશ્રાની ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર'માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મોનાલિસાએ આર્મી ઓફિસરની દીકરીની ભૂમિકા નિભાવી, જેને દર્શકો અને ફિલ્મ જગતના લોકોએ ખૂબ વખાણી. આ જ ફિલ્મ તેના માટે નવી સફરની શરૂઆત સાબિત થઈ.
બોલિવૂડ પછી હવે મોનાલિસાએ સાઉથ ઈન્ડસ્ટ્રી તરફ પગલું માંડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ટૂંક સમયમાં જ તેલુગુ ફિલ્મ ‘લાઈફ'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂજા-પાઠ કાર્યક્રમ સાથે શરૂ થઈ ચૂક્યું છે અને તેના ફર્સ્ટ લુક સાથે જોડાયેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ એક પાન ઈન્ડિયા ફિલ્મ હશે, જેમાં મોનાલિસા સાથે જાણીતા તેલુગુ અભિનેતા ચરણ સાંઈ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ શ્રી વેંગમમ્બા મૂવીઝના બેનર હેઠળ અંજૈયા ઉદિનીને અને ઉષા ઉદિનીને કરી રહ્યા છે.
મહાકુંભમાં માળા વેચતી યુવતીથી લઈને ફિલ્મોની મુખ્ય અભિનેત્રી બનવા સુધીની મોનાલિસાની સફર ખરેખર પ્રેરણાદાયી છે. એક સમય હતો જ્યારે લોકો તેમની માળા ખરીદવાને બદલે વીડિયો અને ફોટા લેવા માટે ભેગા થતા હતા, તો આજે કેમેરા પર તેમના ગ્લેમર અને પ્રતિભાને કેપ્ચર કરવા માટે લોકો તેમની પાછળ દોડે છે
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
