<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ફેન્સનો પ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' 17 વર્ષની લાંબી રાહ પછી સિઝન 2ની શરૂઆત 3 જુલાઈ, 2025ની તારીખ નક્કી કર્યા બાદ શોની લોન્ચ ડેટ છેલ્લી ઘડીએ મુલતવી : સ્મૃતિ ઈરાની તુલસી અને અમર ઉપાધ્યાય મિહિરના રોલમાં જોવા મળશે

શોના સેટને ફરીથી પરફેક્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે શોની લોન્ચ તારીખ મુલતવી રાખવી પડી : હવે થોડી વધુ રાહ જોવી પડશે

મુંબઈ તા.૩૦ : ફેન્સનો પ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' નવી સિઝન સાથે ફરીથી ટેલિવિઝન પર આવવા જઈ રહ્યો છે. 17 વર્ષની લાંબી રાહ પછી સિઝન 2ની જાહેરાત થતાં જ ફેન્સમાં ભારે ઉત્સાહ છે. શોમાં ફરીથી સ્મૃતિ ઈરાની તુલસી અને અમર ઉપાધ્યાય મિહિરના રોલમાં જોવા મળવાના છે, જેને લઈને ફેન્સ ઘણા જ એક્સાઈટેડ છે.

આ પહેલા શોના લોન્ચ માટે 3 જુલાઈ, 2025ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે ફેન્સને મોટો આંચકો લાગી શકે છે.છે, કારણ કે શોની લોન્ચ ડેટ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી છે. આ બદલાવનું કારણ પણ સામે આવ્યું છે. આ મોટા નિર્ણય પાછળનું કારણ શું છે? મિહિર એટલે કે અમર ઉપાધ્યાયે પોતે જણાવ્યું છે.

શોની લોન્ચ ડેટ મુલતવી રાખવાનું કારણ?

તુલસીના મિહિર તરીકે ઓળખાતા અભિનેતા અમર ઉપાધ્યાય શોમાં ફરી વાપસી કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. જોકે, હવે તેમણે શોની લોન્ચ ડેટ મુલતવી થવાની પુષ્ટિ કરી છે.  શોના સેટને ફરીથી પરફેક્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે શોની લોન્ચ તારીખ મુલતવી રાખવી પડી છે.

તેમણે કહ્યું, 'હા, વિલંબના સમાચાર સાચા છે. સેટ પર કલર કોમ્બિનેશન એવું નહોતું જેવું હોવું જોઈએ. એકતા કપૂર એક પરફેક્શનિસ્ટ છે અને તે સારી રીતે જાણે છે કે શું જોઈએ છે.'

અભિનેતાએ વધુમાં કહ્યું કે, આ ફક્ત એક શો નથી. પરંતુ તે એક વારસો છે અને એકતા શો માટે શ્રેષ્ઠ હોય તે બધું કરવા માંગે છે. મિહિરે પુષ્ટિ કરી કે, શો 3 જુલાઈ 2025 ના રોજ લોન્ચ થઈ રહ્યો નથી. આ જ દિવસે ઓરિજિનલ શોને 25 વર્ષ પૂર્ણ થવાના હતા.

હવે શો ક્યારે ટેલિકાસ્ટ થશે?

અભિનેતા અમર ઉપાધ્યાયે જણાવ્યું કે, શોના મુહૂર્ત શૂટિંગનું આયોજન ઓરિજિનલ શોની પ્રીમિયરની 25મી વર્ષગાંઠે કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે એક નવી ઉર્જા, અપડેટેડ કહાની અને સંપૂર્ણ રીતે ડિઝાઇન કરાયેલા સેટ સાથે આગળ વધીશું. જો કે, આ શો ક્યારે ઓન એર થશે તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી. આમ, ફેન્સને હવે થોડી વધુ રાહ જોવી પડશે.

(4:56 PM IST)