<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ઈદની રજા પછી સલમાન ખાનની ફિલ્‍મ ૨૦ કરોડ પણ કમાઈ ન શકી

દર્શકો કલાકારોના અભિનય અને ફિલ્‍મની વાર્તાથી નિરાશ : ત્રણ દિવસમાં સિકંદરની કુલ કમાણી ૭૪.૫ કરોડ રૂપિયા સુધી પહોંચી

મુંબઈ,તા.૨: સલમાન ખાન અભિનીત ફિલ્‍મ સિકંદર નબળી સમીક્ષાઓ અને ટીકાઓ પછી દર્શકોને થિયેટરોમાં લાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ફિલ્‍મને ઈદના પહેલા બે દિવસમાં ફાયદો થયો હતો પરંતુ હવે કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ફિલ્‍મ ત્રીજા દિવસે ૨૦ કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી.

સલમાન ખાનની ફિલ્‍મ સિકંદર રિલીઝ થયા પછી ટીકાઓનો સામનો કરી રહી છે. સિકંદરને ફિલ્‍મ વિવેચકો અને દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી નથી. એવી અપેક્ષાઓ હતી કે ગજિનીના દિગ્‍દર્શક એઆર મુરુગદાસ પોતાના દિગ્‍દર્શન અને સલમાનના સ્‍ટારડમથી અજાયબીઓ કરશે. પરંતુ થિયેટરમાંથી બહાર આવતા દર્શકો કલાકારોના અભિનય અને ફિલ્‍મની વાર્તાથી નિરાશ છે. તેથી, ઈદ પછી ફિલ્‍મની કમાણીમાં ઘટાડો થયો છે. ઈદની રજા પછી મંગળવારે ફિલ્‍મે ૨૦ કરોડ રૂપિયાની પણ કમાણી કરી ન હતી.

સેકનિલ્‍કના અહેવાલ મુજબ, સલમાન ખાનની ફિલ્‍મ સિકંદરે પહેલા દિવસે ૨૬ કરોડની કમાણી કરી હતી. અભિનેતાને ઈદ પર રજાનો લાભ મળ્‍યો અને ફિલ્‍મે ૨૯ કરોડનો બિઝનેસ કર્યો અને ત્રીજા દિવસે એટલે કે મંગળવારે ફિલ્‍મ માત્ર ૧૯.૫ કરોડની કમાણી કરી શકી. ત્રણ દિવસમાં સિકંદરની કુલ કમાણી ૭૪.૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ટ્રેડ એનાલિસ્‍ટ્‍સના મતે, આગામી દિવસોમાં સિકંદરની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

સલમાન ખાનના ચાહકો ઘણા સમયથી આ અભિનેતાને એક જબરદસ્‍ત એક્‍શન મનોરંજક ફિલ્‍મમાં જોવાની રાહ જોઈ રહ્યા હતા. દર્શકોને સિકંદર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ સલમાન ખાનનું સ્‍ટારડમ પણ ફિલ્‍મને એટલી કમાણી આપી શકતું નથી જેટલી તેણે સુલતાન, બજરંગી ભાઈજાન, ટાઈગર જેવી ફિલ્‍મોથી કરી છે. બીજી તરફ, અભિનેતાને પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

સલમાન ખાને ગત ઈદમાં એઆર મુરુગાદોસ સાથે સિકંદરની જાહેરાત કરી હતી. આ ફિલ્‍મ સારા કલેક્‍શનની આશા સાથે આ ઈદ પહેલા ૩૦ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્‍મમાં રશ્‍મિકા મંદન્ના, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને સત્‍યરાજ જેવા કલાકારો હતા. પરંતુ દર્શકોને કલાકારોના અભિનય સાથે કોઈ સંબંધ નહોતો અને ન તો તેમને વાર્તા ગમી.(૪૦.૮)

(10:12 AM IST)