<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

કંગના રનૌત બોલિવૂડની 'ક્વીન'માંથી 'ફ્લોપક્વીન' બની

કંગનાએ ૧૦ વર્ષમાં એક પણ હિટ નથી આપી અને કુલ બજેટના ૯૩% નુકસાન ભોગવ્યું છે

મુંબઈ, તા.૨૬, : એક વખત હતો, જ્યારે કંગના બોલિવૂડની ક્વીન ગણાતી હતી અને તે બોક્સ ઓફિસ પર હિટની ગેરંટી મનાતી હતી. પરંતુ પછી એવું શું થયું કે, છેલ્લા એક દાયકામાં તેણે એક પણ હિટ ફિલ્મ આપી નથી. કંગના રણૌતની ગણતરી હિન્દી સિનેમાની પ્રતિભાશાળી એક્ટ્રેસમાં થતી હતી. જો તેની અભિનય ક્ષમતાની વાત કરવામાં આવે તો તેમાં તો આ દાયકામાં કોઈ ફરક પડ્યો નથી. પરંતુ બોક્સ ઓફિસ પર તેની સફળતામાં ઘણી ઓટ આવી ગઈ છે.  તાજેતરમાં રિલીઝ થયેલી કંગનાની 'ઇમરજન્સી' માટે પણ બજેટ જેટલી આવક મેળવવાનું અઘરું બન્યું છે. 'ઇમરજન્સી' પર કંગનાની બધી જ આશાઓ જડાયેલી હતી. કારણ કે એક ડિરેક્ટર તરીકે કંગનાના હાથમાં સંપૂર્ણ નિયંત્રણ હતું. આ ફિલ્મ ૬૦ કરોડના બજેટમાં બની છે અને પહેલાં છ દિવસમાં રૃ. ૧૫ કરોડ સુધી પહોંચવામાં પણ સંઘર્ષ કરી રહી છે. તેથી હવે લાગે છે કે 'ઇમરજન્સી'ને તેના મૂળ ૬૦ કરોડના બજેટ સુધી પહોંચવામાં પણ તકલીફ પડશે.એક દાયકા પહેલા કંગનાને બોક્સઓફિસથી માંડીને એવોર્ડ્સ સુધી દરેક મોરચે સફળતા મળતી હતી. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઇમરજન્સી' અંગે પણ અવું જ કહેવાતું હતું કે, આ ફિલ્મ પણ તેના ફ્લોપના ટ્રેન્ડને બદલવામાં કોઈ મદદ કરી શકશે નહીં.કંગનાની ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાનની ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમાં કંગનાએ એવી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં હિરો બહુ મોટો અને જાણીતો ચહેરો ન હોય. આ બધી જ ફિલ્મો ઘણી સારી ચાલી હતી. 'ક્વીન' અને 'તનુ વેડ્ઝ મનુ' તેમજ 'તનુ વેડ્ઝ મનુ રિટર્ન્સ'ની વાત કરવામાં આવે તો આ ત્રણે ફિલ્મોમાં એક હિરોઇન મુખ્ય રોલમાં હોય તેવી ફિલ્મોથી તેણે કમાણીના બધાં જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ પહેલાં કોઈ હિરોઈન આવું કરી શકી નહોતી. એ વખતે તે માત્ર ૨૮ વર્ષની હતી અને તે કોઈ પણ હિરોની જેમ જ પોતાના ખભા પર આખી ફિલ્મનો ભાર ઉપાડી શકે તેટલી સક્ષમ મનાતી હતી. પરંતુ થોડું ખરાબ નસીબ, ફિલ્મની પસંદગીમાં ભૂલ અને કેટલાક વિવાદોને કારણે તેની કારકિર્દીમાં ઘણી મોટી અસર થઈ. 'તનુ વેડ્ઝ મનુ રિટર્ન્સ' પછી કંગનાએ 'ઇમરજન્સી' સહિત ૧૧ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ જ કમાલ કરી શકી નથી. એક ને બાદ કરતાં બાકીની બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર લગભગ ફ્લોપ જ રહી છે. જો તેની તાજેતરમાં રિલીઝ થયેલી 'ઇમરજન્સી' પહેલાંની બે ફિલ્મો 'તેજસ' અને 'ધાકડ'ની વાત કરવામાં આવે તો આ બંને ફિલ્મો તો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. આ ફિલ્મોએ તો સૌથી ઓછી કમાણીના રેકોર્ડ બનાવ્યા છે. આ દસ વર્ષમાં કંગનાની એક માત્ર ફિલ્મ થોડી ધોરણસરની ચાલી હોય તો એ છે, 'મણિકર્ણિકા –ધ ક્વીન ઓફ ઝાંસી'. ૨૦૧૯માં તેણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર ફિલ્મ બનાવી હતી, જેણે ભારતમાં ૯૨ કરોડ અને વર્લ્ડ વાઇડ ૧૩૩ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ એક બિગ બજેટ ઐતિહાસિક ફિલ્મ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એક સમાન્ય ફિલ્મ જ બની રહી.પેન્ડેમિક પહેલાં આવેલી કંગનાની 'મણિકર્ણિકા' અને 'પંગા' થોડી-ઘણી ચાલી હતી. પરંતુ કોવિડ પછી તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ પર ફ્લોપ જઈ રહી છે. 'ઇમરજન્સી' પહેલાં આવેલી તેની ફિલ્મો 'તેજસ', 'ધાકડ' અને 'થલાઇવી'ની તો ખાસ નોંધ પણ લેવાઈ નથી.

(12:46 PM IST)