તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
કંગના રનૌતે ૨૦ કરોડમાં ખરીદેલો બંગલો ૩૨ કરોડમાં વેચ્યો
કંગનાએ આ બંગલો સપ્ટેમ્બર ૨૦૧૭માં ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

મુંબઇ,તા. ૧૦: કંગના રનૌતે તેનો પાલી હિલમાં આવેલો બંગલો ૩૨ કરોડ રૂપિયામાં વેચી નાખ્યો છે. કંગનાએ આ બંગલો સપ્ટેમ્બર ૨૦૧૭માં ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જે હવે ૭ વર્ષ બાદ ૩૨ કરોડમાં વેચાયો છે. બંગલો તામિલનાડુના કોઇમ્બતુરમાં આવેલી કામલીની હોલ્ડિંગ્સનાં પાર્ટનર શ્વેતા બથિજાએ ખરીદ્યો છે. બંગલાના વેચાણના દસ્તાવેજો પાંચમી સપ્ટેમ્બરે રજિસ્ટર્ડ કરવામાં આવ્યા હતા જે મુજબ આ બંગલો ૩૦૭૫ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે અને સાથે ૫૬૫ સ્ક્વેર ફીટની પાર્કિંગની જગ્યા છે. આ ટ્રાન્ઝેક્શનમાં ૧.૯૪ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી હતી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
કંગનાએ લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર કરેલી ૯૧ કરોડની કુલ સંપત્તિમાં ૨૮.૭ કરોડની જંગમ અને ૬૨.૯ કરોડની સ્થાવર મિલકત હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સપ્ટેમ્બર ૨૦૨૦માં આ બંગલાનો કેટલોક ભાગ ગેરકાયદે છે એમ કહી તોડી પાડ્યો હતો. કંગનાએ એ બાબતે વિરોધ પણ નોંધાવ્યો હતો. તાજેતરમાં જ કંગનાએ અંધેરીમાં આર્ચ વન નામના બિલ્ડિંગમાં ૪૦૭ સ્ક્વેર ફીટની ઓફિસ ૧.૫૬ કરોડ રૂપિયામાં ખરીદી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
