KBC 18માં અમિતાભ બચ્ચનનો રમૂજી ખુલાસો: ઘરમાં માત્ર એક નાનકડો રૂમ, બાકી બધા જયાના!
મ્યુરલ આર્ટિસ્ટ સ્પર્ધક સાથે વાતચીત દરમિયાન બિગ બીની હળવી મજાક; ઘરની દિવાલો પર વરલી આર્ટ અને જયા બચ્ચનના શોખનો ઉલ્લેખ

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને લોકપ્રિય ક્વિઝ શો 'કોન બનેગા કરોડપતિ 18'ના એક એપિસોડમાં પોતાની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન અંગે રમૂજી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે ઘરમાં તેમને રહેવા માટે માત્ર એક નાનકડો રૂમ જ મળ્યો છે, જ્યારે બાકીના તમામ રૂમ જયા બચ્ચન વાપરે છે. મ્યુરલ આર્ટિસ્ટ સ્પર્ધક દીપક સાથેની વાતચીત દરમિયાન અમિતાભે કરેલી આ હળવી મજાકથી સેટ પર હાજર સૌ કોઈ હસી પડ્યા હતા.
શો દરમિયાન અમિતાભ બચ્ચને મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે પતિ માટે ઘરમાં માત્ર એક નાનકડો રૂમ બચે છે, જ્યારે ડાઇનિંગ રૂમ અને અલગ બેઠક રૂમ સહિત બાકીના રૂમ 'મેડમ'ના છે અને પોતાની પાસે કંઈ બચ્યું નથી.
દીપકની મ્યુરલ પેઇન્ટિંગ કળાથી પ્રભાવિત થયેલા બિગ બીએ પોતાના ઘરની દિવાલો પર પણ આવી કલાકૃતિઓ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જયા બચ્ચનને ઘરની દિવાલો સજાવવાનો તથા પેઇન્ટિંગનો ઘણો શોખ છે, ખાસ કરીને ઘરની બહારની ચારેય દિવાલો પર વરલી આર્ટથી સજાવટ કરવામાં આવી છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન 3 જૂન, 1973ના રોજ થયા હતા અને બંને વચ્ચે ફિલ્મ 'જંજીર' દરમિયાન નિકટતા વધી હતી, ત્યારબાદ 1974માં પુત્રી શ્વેતા અને 1976માં પુત્ર અભિષેકનો જન્મ થયો હતો.
'ગુડ્ડી', 'અભિમાન', 'ચુપકે ચુપકે', 'મિલી' અને 'સિલસિલા' જેવી ફિલ્મોમાં કામ કરનાર જયા બચ્ચને લગ્ન અને બાળકોના ઉછેર માટે પરિવારને પ્રાથમિકતા આપી હતી, અને 1981ની 'સિલસિલા' બાદ લાંબા વિરામ લઈ 1998માં 'હજાર ચૌરાસી કી મા'થી અભિનયમાં પુનરાગમન કર્યું હતું.
પાંચ દાયકાથી વધુ સમયના સહજીવન અને ફિલ્મી સફર બાદ પણ બિગ બી અને જયા બચ્ચનના રમૂજી કિસ્સા અને પરિવારની વાતો ચાહકોમાં સતત આકર્ષણ જમાવી રહી છે.
