ચાર દાયકા બાદ દિવાળીએ રી-રિલીઝ થશે ‘મેરુ માલણ'
ગુજરાતી દર્શકોને ઘેલું લગાડનાર ફિલ્મ ફરી મચાવશે ધમાલ : ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય ગીત તો આજે પણ નવરાત્રિની ઓળખ બની ગયું છે

મુંબઈ,તા.૩: ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળની વાત હોય અને 'મેરુ માલણ'નો ઉલ્લેખ ન થાય એવું ભાગ્યે જ બને! એક સમય હતો જ્યારે આ ફિલ્મનાં ગીતો શેરીઓથી લઈને ગરબાના મેદાનો સુધી ગુંજતા હતા. ખાસ કરીને 'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' ગીત તો આજે પણ નવરાત્રિની ઓળખ બની ગયું છે. હવે ચાર દાયકા જૂની આ યાદોને ફરી જીવંત કરવાનો અવસર આવી રહ્યો છે. નરેશ કનોડિયા અને સ્નેહલતાની લોકપ્રિય જોડી ધરાવતી ગુજરાતી સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'મેરુ માલણ' ૪૦ વર્ષ બાદ ફરી મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.
વર્ષ ૧૯૮૫માં રિલીઝ થયેલી આ બ્લોકબસ્ટર ફિલ્મ હવે ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે ફરી થિયેટરોમાં દર્શકોને મનોરંજન પીરસશે. દિવંગત અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર, અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા તથા તેમની પત્ની અને અભિનેત્રી મોના થીબાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ ખુશખબર આપી છે. હિતુ કનોડિયા અને મોના થીબાએ શેર કરેલા વીડિયોમાં ફિલ્મનાં લોકપ્રિય ગીતો ગાઈને જૂની યાદો તાજી કરી હતી. 'જાગ રે માલણ જાગ', 'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' અને 'તું મારો મેરુ, હું તારી માલણ' જેવાં ગીતો સાથે તેમણે ફિલ્મની રી-રિલીઝની જાહેરાત કરી હતી.
આ દરમિયાન હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, તે સમયની આ સુપરહિટ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આજના સમયના હિસાબે ગણવામાં આવે તો ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ થાય. મોના થીબાએ પણ ફિલ્મ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું કે, આવી ફિલ્મો હંમેશાં લોકોનાં દિલમાં જીવંત રહે છે અને ક્યારેય ભુલાતી નથી.ફિલ્મનું દિગ્દર્શન મેહુલ કુમારે કર્યું હતું, જ્યારે કાંતિ અશોકે ફિલ્મનાં ગીતો લખ્યાં હતાં. મહેશ-નરેશની સંગીતકાર જોડીએ આ ગીતોને એવી મીઠાશ આપી કે ચાર દાયકા પછી પણ તેની લોકપ્રિયતા અકબંધ છે.
'મેરુ માલણ'ની સૌથી મોટી ખાસિયત તેની દમદાર સ્ટારકાસ્ટ હતી. ફિલ્મમાં નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડી સાથે ફિરોઝ ઇરાની અને રમેશ મહેતાએ પણ યાદગાર અભિનય કર્યો હતો. ખાસ વાત એ છે કે હિતુ કનોડિયાએ આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત 'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' આજે પણ ગુજરાતી ગરબા અને લોકસંગીત પ્રેમીઓના હોઠે રમે છે. આ ગીતને અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેએ પોતાનો સ્વર આપ્યો હતો. આ ઉપરાંત ફિલ્મનાં અન્ય ગીતો પણ ગુજરાતી સંગીતજગતમાં યાદગાર બની રહ્યાં છે. હવે, ચાર દાયકા બાદ જ્યારે 'મેરુ માલણ' ફરી થિયેટરોમાં આવશે, ત્યારે નવી પેઢીને ગુજરાતી સિનેમાના એક સુવર્ણ અધ્યાયનો અનુભવ કરવાની તક મળશે, તો જૂના દર્શકો માટે આ રી-રિલીઝ માત્ર ફિલ્મ જોવાનો નહીં, પરંતુ જૂની યાદો ફરી જીવંત કરવાનો અવસર બની રહેશે
