સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની 'જેલર ૨' નો બોક્સ ઓફિસ પર દબદબો યથાવત: વિશ્વભરમાં રૂ. ૬૫૦ કરોડની કમાણીનો આંકડો વટાવ્યો
રિલીઝના માત્ર દસ જ દિવસમાં ભારતમાં નેટ કલેક્શન રૂ. ૩૬૩ કરોડ પાર પહોંચ્યું: સુપરસ્ટાર રજનીકાંતના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

મુંબઈ : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'જેલર ૨' રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. સોશિયલ મીડિયાથી લઈને સિનેમાઘરો સુધી દરેક જગ્યાએ આ ફિલ્મની જ ચર્ચા ચાલી રહી છે. સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૧૦ દિવસ પૂરા થઈ ચૂક્યા છે, અને આ સમયગાળા દરમિયાન મજબૂત 'માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી' અને જબરદસ્ત ક્રેઝના કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનું સામ્રાજ્ય અકબંધ રાખ્યું છે. વિશ્વભરમાં આ ફિલ્મે રેકોર્ડબ્રેક કમાણી કરીને સાબિત કરી દીધું છે કે રજનીકાંતનો જાદુ આજે પણ દર્શકોના સિર ચઢીને બોલે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 'જેલર ૨' એ તેના ઓપનિંગ ડે એટલે કે રિલીઝના પહેલા જ દિવસે જબરદસ્ત કલેક્શન કરતાં રૂ. ૫૯.૭૦ કરોડની કમાણી કરી હતી. વીકેન્ડના અંત સુધીમાં આ ફિલ્મે ધમાકેદાર પ્રદર્શન કરીને રૂ. ૧૫૦ કરોડનો આંકડો ખૂબ જ સરળતાથી પાર કરી લીધો હતો. પહેલા જ અઠવાડિયામાં આ ફિલ્મે ભારતીય બજારમાં રૂ. ૩૩૪.૩૫ કરોડનો શાનદાર વેપાર નોંધાવ્યો હતો. ત્યારબાદ બીજા સપ્તાહમાં પણ ફિલ્મે પોતાની પક્ડ જાળવી રાખી હતી, જેમાં નવમા દિવસે રૂ. ૧૪.૫૦ કરોડ અને દસમા દિવસે રાત્રે ૮:૩૦ વાગ્યા સુધીમાં વધુ રૂ. ૧૪.૩૬ કરોડની કમાણી નોંધાઈ હતી. આ સાથે જ ભારતમાં આ ફિલ્મની કુલ ચોખ્ખી (નેટ) કમાણી વધીને રૂ. ૩૬૩.২১ કરોડ પર પહોંચી ગઈ છે.
ફિલ્મની આ કમાણી માત્ર ભારતીય સીમાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્લોબલ લેવલ પર પણ 'જેલર ૨' એ ઇતિહાસ રચ્યો છે. 'સેકનિલ્ક'ના રિપોર્ટ મુજબ, ફિલ્મે તેના પ્રથમ ૯ દિવસમાં જ વૈશ્વિક સ્તરે રૂ. ૬૨૮.૦૫ કરોડનું મસમોટું કલેક્શન કરી લીધું હતું, જેમાં વિદેશી માર્કેટમાંથી જ રૂ. ૨૧૯.૫૦ કરોડની કમાણી થઈ હતી. દસમા દિવસના અંત સુધીમાં આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. ૬૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, રવિવારની રજાના દિવસે થનારી કમાણીને કારણે આ આંકડો હજી વધુ ઊંચે જશે અને ટૂંક સમયમાં જ ફિલ્મ રૂ. ૭૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.
આ ભવ્ય સફળતા સાથે 'જેલર ૨' રજનીકાંતના અભિનય કારકિર્દી (કરિયર) ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે રજનીકાંતની ઓલ-ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ '૨.૦' નો રેકોર્ડ તોડવાથી માત્ર એક જ ડગલું દૂર છે. વીકેન્ડના આંકડાઓ આવ્યા બાદ 'જેલર ૨' તે રેકોર્ડ પણ તોડીને નવો ઇતિહાસ રચે તેવી પ્રબળ સંભાવના છે. દિવાળી અને તહેવારોની મોસમ પૂર્વે રજનીકાંતની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જે ગતિ પકડી છે, તેનાથી નિર્માતાઓ અને વિતરકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
