ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને મોટો ઝટકો: દિલ્હી હાઈકોર્ટે આગામી ફિલ્મ 'દૂસરા' ની રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી
વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલિટી રાઈટ્સ) ના ઉલ્લંઘન અંગે ગાંગુલી દ્વારા કરવામાં આવેલી માંગણી કોર્ટે ફગાવી; નિર્માતાઓએ નિયમ મુજબ બીસીસીઆઈ (BCCI) પાસેથી ફૂટેજના રાઈટ્સ લીધા હોવાની કરી દલીલ.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'દાદા' તરીકે જાણીતા સૌરવ ગાંગુલીને કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં રિલીઝ થનારી ફિલ્મ 'દૂસરા' (Doosra) ના પ્રકાશન પર રોક લગાવવા માટે સૌરવ ગાંગુલી અને 'લવ ફિલ્મ્સ એલએલપી' દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, અદાલતે ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે નિર્ધારિત સમયપત્રક મુજબ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સૌરવ ગાંગુલીએ ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શક અભિનય દેવ અને વિતરક પીએવીઆર આઈનોક્સ (PVR INOX) સામે પર્સનાલિટી રાઈટ્સ (વ્યક્તિત્વના અધિકારો) ના ભંગ બદલ કેસ દાખલ કર્યો હતો. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફિલ્મ 'દૂસરા' માં તેમની પૂર્વ મંજૂરી કે લાયસન્સ વગર તેમની પ્રતિષ્ઠા, વ્યાવસાયિક સિદ્ધિઓ અને જીવનના દ્રશ્યોનો વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'લવ ફિલ્મ્સ એલએલપી' દ્વારા હાલમાં સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત એક બાયોપિક ફિલ્મ 'દાદા' પણ બનાવવામાં આવી રહી છે, જેમાં અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે.
સામે પક્ષે, ફિલ્મ 'દૂસરા' ના નિર્માતાઓની વતી દલીલ કરવામાં આવી હતી કે આ ફિલ્મ ૨૦૦૨ની ઐતિહાસિક નેટવેસ્ટ ફાઈનલ મેચ અને ભારતીય ટીમની જીત પર આધારિત છે, જેમાં મેચના ફૂટેજનો ઉપયોગ કરવા માટે 'બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા' (BCCI) અથવા અધિકૃત રાઈટ્સ ધારક પાસેથી કાયદેસરના પરવાનગી પત્રો અને લાયસન્સ મેળવવામાં આવ્યા છે. વકીલોએ દલીલ કરી હતી કે મેચના આ ફૂટેજ પર કોઈ એક વ્યક્તિગત ખેલાડીની માલિકી હોતી નથી. અભિનય દેવ દ્વારા નિર્દેશિત 'દૂસરા' ફિલ્મ ૨૦૦૨ની નેટવેસ્ટ ફાઇનલની ઐતિહાસિક જીતને એક યુવતીના સંઘર્ષ સાથે જોડે છે. હાઈકોર્ટે હાલ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની ના પાડી દીધી છે, પરંતુ આ મામલે આગળની કાનૂની સુનાવણી ચાલુ રહેશે.
