ઉત્તરાખંડમાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન દલેર મહેંદી પર લાગેલા નશાના આરોપો સામે આવ્યા ભાઈ મીકા સિંહના બચાવમાં: જો આ આરોપ સાબિત થાય તો સંગીત જગત છોડી દઈશ તેવી ઘોષણા
પ્રસિદ્ધ ગાયક દલેર મહેંદીના સ્વાસ્થ્ય અને સ્ટેજ પરફોર્મન્સને લઈને ઊભી થયેલી વિવાદિત સ્થિતિ વચ્ચે ભાઈ મીકા સિંહે મંત્રીના આરોપોને ફગાવ્યા; કલાકારોની મજબૂરી અને સન્માનનો મુદ્દો ઉઠાવ્યો.

નવી દિલ્હી, તા.20: ઉત્તરાખંડમાં નવરાત્રિના પવિત્ર અવસરે આયોજિત એક સંગીત સમારોહમાં જાણીતા પંજાબી ગાયક દલેર મહેંદીની પ્રસ્તુતિને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે દલેર મહેંદી સામે ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો હતો કે તેઓ સ્ટેજ પર દારૂના નશામાં હતા અને યોગ્ય રીતે ગાઈ શકતા નહોતા. આ મામલે હવે તેમના ભાઈ અને લોકપ્રિય ગાયક મીકા સિંહે મેદાને આવીને ભાઈના સમર્થનમાં ખુલ્લો બચાવ કર્યો છે.
મીકા સિંહે સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશ જારી કરીને દલેર મહેંદી દારૂ પીતા હોવાના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે આકરા શબ્દોમાં પડકાર ફેંકતા કહ્યું કે દલેર મહેંદી છેલ્લા ૩૦ વર્ષથી વૈશ્વિક સ્તરે સુપરસ્ટાર તરીકે જાણીતા છે અને જો કોઈ વ્યક્તિ તેમને આખી જિંદગીમાં ક્યારેય દારૂ પીતા જોયા હોવાનું સાબિત કરી દે, તો તેઓ પોતે સંગીત જગત અને ગાવાનું હંમેશ માટે છોડી દેશે.
દલેર મહેંદીની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખુલાસો કરતા મીકાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષથી બીમાર ચાલી રહ્યા છે અને તાજેતરમાં જ તેમની મોટી સર્જરી પણ કરવામાં આવી છે. હજુ પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. શારીરિક અશક્તિ અને બીમારી હોવા છતાં કલાકારો પોતાની અગાઉની વચનબદ્ધતા અને ચાહકો પ્રત્યેની જવાબદારી પૂરી કરવા માટે કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે, જેની અસર સ્ટેજ પરફોર્મન્સ પર દેખાઈ શકે છે.
મંત્રી દ્વારા કરવામાં આવેલા વર્તન સામે નારાજગી વ્યક્ત કરતા મીકાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો પ્રદર્શન પસંદ ન આવ્યું હોય તો ગાયકી પર ચર્ચા થઈ શકે છે, પરંતુ કોઈપણ પ્રકારની સત્યતા તપાસ્યા વગર કોઈ કલાકાર નશામાં હોવાનો આક્ષેપ મૂકીને જાહેર મંચ પર અપમાનિત કરવું યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય બેન્ડ કોલ્ડપ્લેનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે વિદેશી કલાકારો સાથે આવું વર્તન કરવાની કોઈની હિંમત ચાલતી નથી.
મીકા સિંહે મીડિયા અને જનતાને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની પુષ્ટિ વગર પાયાવિહોણા સમાચારો ફેલાવવાથી કલાકારની આબરૂને ભારે ઠેસ પહોંચે છે. દલેર મહેંદીના સમર્થનમાં મીકા સિંહના આ આક્રમક અને ભાવનાત્મક નિવેદનને કારણે આ વિવાદ હવે સંગીત જગતમાં ચર્ચાના એરણે ચઢ્યો છે.
