દિલજીત દોસાંઝના ઘર નજીક ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખાયા, પોલીસ તપાસમાં જોતરાઈ
ગાયક ભારતમાં 'ઓરા ઈન્ડિયા ટૂર' શરૂ કરવા જઈ રહ્યા છે તે પહેલાં જ ઘટી આ ઘટના; અજાણ્યા શખ્સોએ ભૂલથી અન્ય કોઈના ઘરને સિંગરનું ઘર સમજીને દીવાલ પર લખ્યા નારા.

નવી દિલ્હી/જલંધર: પ્રસિદ્ધ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના પંજાબના દોસાંઝ કલાં ગામ સ્થિત ઘર પાસે વિવાદાસ્પદ ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દિલજીત દોસાંઝ આગામી કેટલાક દિવસોમાં ભારતમાં પોતાના ચર્ચિત 'ઓરા ઈન્ડિયા ટૂર 2026'ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે જ આ પ્રકારની ઘટના સામે આવવાથી સુરક્ષા અને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ગામના જ એક રહેવાસીની દીવાલ પર લખાયા નારા
આ મામલે સામે આવેલી વિગતો અનુસાર, ખાલિસ્તાનના સમર્થનમાં લખાયેલા આ વિવાદાસ્પદ નારા વાસ્તવમાં દિલજીત દોસાંઝના નહીં, પરંતુ ગામમાં જ રહેતા મુખ્તિયાર નામના વ્યક્તિના ઘરની દીવાલ પર લખવામાં આવ્યા હતા. ડ્રાઈવર તરીકે કામ કરતા મુખ્તિયારે જણાવ્યું કે રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યાની આસપાસ તેમને ઘરની બહાર સ્પ્રે પેઇન્ટની વાસ આવી હતી.
જ્યારે તેઓ બહાર આવીને જોવા ગયા કે કોણ છે, ત્યારે તેમણે ચાર શખ્સોને દીવાલ પર નારા લખતા જોયા હતા. મુખ્તિયારે આ હરકતનો વિરોધ કરતા તે લોકો તુરંત ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે તેમનું ઘર દિલજીત દોસાંઝના ઘરથી થોડી જ અંતરે આવેલું છે, જેના કારણે કદાચ તે શખ્સોએ ભૂલથી તેમના ઘરને સિંગરનું ઘર સમજીને ત્યાં આ નારા લખી દીધા હોય.
પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ
આ ઘટનાની જાણ થતાં જ ગોરાયા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) હરભજન સિંહ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ કૃત્ય કરનાર અસલી આરોપીઓની ઓળખ થઈ શકે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોગ્ય અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જલ્દી જ શરૂ થવાનો છે 'ઓરા ઈન્ડિયા ટૂર'
ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંઝ ભારતમાં તેમના મ્યુઝિકલ ટૂર 'ઓરા ટૂર'ની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ૧ નવેમ્બરથી દિલ્હી-NCRથી આ ટૂરની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ ઈન્દોર, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ અને લખનૌ સહિત દેશના અનેક મોટા શહેરોમાં પોતાના પર્ફોર્મન્સ આપવાના છે. આ ઉપરાંત ચંદીગઢમાં પણ તેમના એક કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 'ઓરા વર્લ્ડ ટૂર'ની સફળતા બાદ ભારતમાં યોજાનારા આ કાર્યક્રમોને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
