<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 7th October 2026

મુંબઈમાં બિગ બોસ ફેમ અર્ચના ગૌતમના કેફેમાં કેશ કાઉન્ટરની ચોરી: પોલીસને આરોપીને ઝડપી પાડવા કરી વિનંતી

ઓક્ટોબર ૨૦૨૫માં શરૂ થયેલા 'ઓય ચુરોસ' કેફેમાં વહેલી સવારે તસ્કરે આચરી ચોરી: સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી અભિનેત્રીએ ચાહકોને પણ સતર્ક રહેવા કરી અપીલ

મુંબઈ, તા.૦૭: 'બિગ બોસ ૧૬' થી દેશભરમાં જાણીતી બનેલી અભિનેત્રી અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કેફે 'ઓય ચુરોસ' માં વહેલી સવારે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે આશરે ૫ થી ૬ વાગ્યાના સુમારે અજાણ્યો ચોર કેફેમાં ઘૂસીને આખું કેશ કાઉન્ટર જ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે અર્ચનાએ સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ શેર કરીને સમગ્ર બાબતની જાણકારી આપી હતી અને મુંબઈ પોલીસમાં સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) પણ નોંધાવી છે.

અર્ચના ગૌતમે ભારે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કેફે તેણે પોતાની સખત મહેનત અને જીવનભરની બચતના નાણાં રોકીને અત્યંત ઉત્સાહપૂર્વક બનાવ્યું હતું. કેફેની એક-એક વસ્તુ તેણે જાતે મહેનત કરીને તૈયાર કરી હતી, પરંતુ અચાનક બનેલી આ ઘટનાથી તેને મોટો આઘાત લાગ્યો છે. તેણે ઉમેર્યું કે મુંબઈ તેને હંમેશાં એક અત્યંત સુરક્ષિત શહેર લાગ્યું છે, તેથી પોતાના જ બિઝનેસ પ્લેસ પર આવી ચોરી થતાં તે ખૂબ દુઃખી થઈ છે.

ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં તસ્કરની હરકતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજના આધારે અભિનેત્રીએ મુંબઈ પોલીસને અપીલ કરી છે કે આરોપીને વહેલી તકે શોધી કાઢવામાં આવે અને તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પોલીસે પણ આ મામલે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

પોતાની સાથે બનેલી આ ઘટના બાદ અર્ચનાએ માત્ર ફરિયાદ નોંધાવીને અટકી જવાને બદલે સીસીટીવી વીડિયો જાહેર કરીને પોતાના ફોલોઅર્સ અને સામાન્ય લોકોને પણ સતર્ક કર્યા છે. તેણે ચાહકોને પોતાના ઘર અને વ્યાપારી એકમોની સુરક્ષા પ્રત્યે વધુ ગંભીર રહેવા, આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવા અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે અર્ચના ગૌતમે ઓક્ટોબર ૨૦૨૫ માં ફૂડ બિઝનેસ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને ૯ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે 'ઓય ચુરોસ' કેફેની શરૂઆત કરી હતી. પરંતુ તેના એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ કેફેમાં આ પ્રકારની ચોરી થતાં તેના ચાહકોમાં પણ ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

'બિગ બોસ ૧૬' બાદ અર્ચના 'ખતરોં કે ખિલાડી ૧૩', 'સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા' અને 'રિયાલિટી રાનિયા ઓફ ધ જંગલ ૨' જેવા લોકપ્રિય રિયાલિટી શોઝમાં પણ જોવા મળી ચૂકી છે. હાલમાં તેણે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. હવે પોલીસ તપાસ બાદ જ ચોરીમાં સામેલ વ્યક્તિ, ચોરાયેલી રકમ અને ચોરી પાછળનું સંપૂર્ણ રહસ્ય સ્પષ્ટ થઈ શકશે.

(3:42 PM IST)