'હનુમાન અંશ' ની ગ્રાન્ડ સફળતા બાદ નીમ કરોલી બાબાના ચમત્કારો હવે ટીવી પર જોવા મળશે
બોક્સ ઓફિસ પર ₹૪૦૦ કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મ બાદ સોની ટીવી અને સોની લિવ પર નવો શો આવશે

મુંબઈ : નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' ની રેકોર્ડબ્રેક અને અભૂતપૂર્વ સફળતા બાદ હવે તેમના જીવનના ચમત્કારો દર્શકો સમક્ષ નાના પડદા પર લાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે રિલીઝ કરાયેલા એક પ્રભાવશાળી પ્રોમો સાથે નીમ કરોલી બાબા પર એક નવા ટીવી સીરિયલ શો ‘નીમ કરોલી બાબા’ નો આગાઝ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક અને ભક્તિમય શો ટૂંક સમયમાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થશે તેમજ ઓટીટી (OTT) દર્શકો તેને સોની લિવ (Sony LIV) પ્લેટફોર્મ પર પણ માણી શકશે.
'હનુમાન અંશ' ફિલ્મે માત્ર ₹૨ કરોડના સાધારણ બજેટમાં બનીને બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મે ભારતમાં ₹૩૧૪.૬૩ કરોડ અને વિશ્વભરમાં કુલ ₹૪૧૦.૭૫ કરોડનો અધધધ ગ્રોસ બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં અભિનેતા શોભિનવ સત્ય દ્વારા નીમ કરોલી બાબાની ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાને દર્શકો અને વિવેચકો દ્વારા ભારે સરાહના સાંપડી હતી.
નવા ટીવી શોના પ્રોમોની શરૂઆત નીમ કરોલી બાબાની રહસ્યમય અને દિવ્ય ઝલક સાથે થાય છે, જેમાં પાછળથી પૃષ્ઠભૂમિમાં એક દમદાર વોઇસઓવર સાંભળવા મળે છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે કે "જે મહાપુરુષની ચમત્કારી વાર્તાઓએ સમગ્ર દેશને મંત્રમુગ્ધ કર્યો હતો, તેમના અજાણ્યા અને દિવ્ય જીવન પ્રસંગો હવે નાના પડદા પર રજૂ થશે." પ્રોમોના અંતે નીમ કરોલી બાબાની સામે સક્ષત ભગવાન હનુમાનજીની ભવ્ય છબીના દર્શન કરાવવામાં આવ્યા છે.
ફિલ્મની સફળતા વિશે ચર્ચા કરતા પ્રોડ્યુસર અનુપ્રિયા નાગરે જણાવ્યું હતું કે, "ઓછા બજેટે અમારી ફિલ્મની સરળતા અને પ્રામાણિકતા જાળવી રાખી છે. જો અમે આ ફિલ્મ ₹૧૦ કરોડના મોટા બજેટથી બનાવી હોત તો કદાચ તેની ભાવનાત્મક અસર આવી ન હોત." આ ઉપરાંત ફિલ્મમાં ‘મૈંને તેરે હી ભરોસા’ ગીત ગાઈને લોકપ્રિયતા મેળવનાર સિંગર સુનિલ દિન્હોની આંખની સારવાર માટે પણ પ્રોડક્શન ટીમ અને મધ્યપ્રદેશ સરકારે આર્થિક મદદ કરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
બીજી તરફ, ફિલ્મની સિક્વલમાં બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જોવા મળશે તેવી અફવાઓ પર પણ નિર્માતાએ સ્પષ્ટતા કરી છે. અનુપ્રિયા નાગરે જણાવ્યું હતું કે, "મેં ક્યારેય અક્ષય કુમાર સિક્વલમાં હોવા અંગે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી અને વહેતી થયેલી વાતો માત્ર એક અફવા છે."
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના કૈંચી ધામ ખાતે આવેલા નીમ કરોલી બાબાના આશ્રમમાં દેશ-વિદેશથી લાખો ભક્તો દર્શનાર્થે આવે છે, જેમાં સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. હવે આ શોના પ્રીમિયરની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેની દેશભરના ભક્તો અને ટેલિવિઝન પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
