ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો ધમાકો: 'કોમ્પ્રોમાઇઝ કરશો તો ૭ લાખ મળશે', 'જોધા અકબર' ફેમ અભિનેત્રી લવીના ટંડને કર્યો ચોંકાવનારો ખુલાસો
સાઉથના ફિલ્મમેકરે ૧૦-૧૫ દિવસના શૂટિંગ માટે આપી હતી આડી ઓફર; લવીનાએ ઈજ્જતભેર ઓફર ફગાવીને કહ્યું- 'મને આવા કામમાં કોઈ રસ નથી'

મુંબઈ : ગ્લેમર, ઝાકઝમાળ અને પૈસાથી અંજાયેલી બોલીવુડ તથા મનોરંજન ઈન્ડસ્ટ્રીના શ્યામ પાસા (Blackside) નો વધુ એક કડવો અનુભવ સામે આવ્યો છે. પોપ્યુલર ટીવી સિરિયલ 'જોધા અકબર'માં રૂકૈયા બેગમનું યાદગાર પાત્ર ભજવનારી જાણીતી અભિનેત્રી લવીના ટંડને ગ્લેમર જગતમાં વ્યાપ્ત 'કાસ્ટિંગ કાઉચ' અને 'કોમ્પ્રોમાઇઝ' સંસ્કૃતિ પર દિલ ખોલીને સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન લવીનાએ જણાવ્યું હતું કે કારકિર્દીના એક તબક્કે તેને પણ બે-બે વાર આવી શરમજનક ઓફરોનો સામનો કરવો પડ્યો હતો.
"કોમ્પ્રોમાઇઝ કરશો તો ૫ ના ૭ લાખ મળશે": સાઉથના ડાયરેક્ટરની નિર્લજ્જ માંગ
પોતાનો કડવો અનુભવ શેર કરતા લવીના ટંડને જણાવ્યું કે, એક સમયે દક્ષિણ ભારતીય ઈન્ડસ્ટ્રીના (સાઉથ) એક જાણીતા ફિલ્મનિર્માતાએ એક પ્રોજેક્ટ માટે તેનો સંપર્ક કર્યો હતો. તેમણે માત્ર ૧૦ થી ૧૫ દિવસના શૂટિંગ માટે લવીનાને ૫ લાખ રૂપિયાની ફી ઓફર કરી હતી. પરંતુ વાત આટલેથી જ અટકી નહોતી. ત્યારબાદ તે મેકરે સ્પષ્ટ શબ્દોમાં શરત મૂકી હતી કે જો તે 'કોમ્પ્રોમાઇઝ' કરવા તૈયાર થશે, તો તેને ૫ લાખના બદલે રોકડા ૭ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
લવીનાએ આપ્યો સણસણતો જવાબ: "હું આવા કામ નથી કરતી"
આવી અનૈતિક માંગણી સામે ઝૂકવાને બદલે લવીનાએ અત્યંત હિંમતપૂર્વક તે ઓફરને ફગાવી દીધી હતી. તેણે સામેથી નિર્માતાને રોકડું સંભળાવી દીધું હતું કે, "હું તમારી ઈમાનદારીની ઈજ્જત કરું છું, પરંતુ હું આવા કોઈ ખોટા કામ કરતી નથી અને મને આમાં જરાય રસ નથી. જો ભવિષ્યમાં તમારી પાસે કોઈ સ્વચ્છ અને પ્રોફેશનલ કામ હોય તો જ મને એપ્રોચ કરજો, અન્યથા મને ફરી ક્યારેય ફોન ન કરતા."
ઈન્ડસ્ટ્રીના કડવા સત્ય પરથી ઊંચકાયો પડદો
લવીનાએ વધુમાં ખુલાસો કર્યો કે આ ઘટના બાદ અન્ય એક ડાયરેક્ટરે પણ તેને આવી જ 'કોમ્પ્રોમાઇઝ' કરવાની ઓફર કરી હતી, જેને તેણે તાત્કાલિક ફગાવી દીધી હતી. એક્ટ્રેસે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લીધા વગર ઉમેર્યું હતું કે બહારથી ગ્લેમરસ દેખાતી આ ઈન્ડસ્ટ્રીમાં આવનારી નવી યુવતીઓને આવા અનેક ફિલ્ટરો અને અનૈતિક માંગણીઓમાંથી પસાર થવું પડે છે. તેણે સ્પષ્ટ કર્યું કે સ્ક્રીન પર રોમેન્ટિક સીન કરવા એ કલાકારોના કામનો ભાગ છે, પરંતુ તેને અંગત જીવન સાથે સાંકળીને આવી માંગણીઓ કરવી તદ્દન ખોટી બાબત છે.
