કસાબને ફાંસીના દોરડા સુધી પહોંચાડનાર ઉજ્જવલ નિકમની બાયોપિક 'પ્રહાર'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ: રાજકુમાર રાવ કોર્ટરૂમમાં બતાવશે વકીલાતનો જાદુ!
CST સ્ટેશન પર સીએમ ફડણવીસ અને ઉજ્જવલ નિકમની ખાસ હાજરી વચ્ચે યોજાયો કાર્યક્રમ; ૨૬/૧૧ આતંકી હુમલા બાદની અણદેખી કાયદાકીય લડાઈની રોમાંચક દાસ્તાન

મુંબઈ :મુંબઈમાં ૨૬/૧૧ના ભયાનક આતંકવાદી હુમલા બાદ દેશના ઈતિહાસમાં રચાયેલી સૌથી મોટી કાયદાકીય લડાઈ પર આધારિત ફિલ્મ 'પ્રહાર'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દેશના જાણીતા અગ્રણી સરકારી વકીલ ઉજ્જવલ નિકમની સફર અને આતંકી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવા સુધીની કોર્ટરૂમ ડ્રામા પર કેન્દ્રિત છે. ટ્રેલર લોન્ચ માટે ૨૬/૧૧ હુમલાનું મુખ્ય કેન્દ્ર રહેલા શિવાજી મહારાજ ટર્મિનસ (CST) સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી, જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વકીલ ઉજ્જવલ નિકમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કોર્ટરૂમમાં રચાયેલા અણદેખ્યા ઈતિહાસની વાર્તા
૨૬/૧૧ની રાત્રે મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં મુંબઈ પોલીસે બહાદુરીપૂર્વક જીવતા પકડેલા આતંકી કસાબ સામે કોર્ટરૂમમાં સત્ય સાબિત કરવું અને તેને કાયદાકીય રીતે પાઠ ભણાવવો એક મોટો પડકાર હતો. અવિનાશ અરુણના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'પ્રહાર'માં સરકારી વકીલ ઉજ્જવલ નિકમની પબ્લિક ઈમેજથી પર જઈને તેમના મજબૂત ઈરાદા, કાયદાકીય દાવપેચ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની અણકહી સફરને આબેહૂબ દર્શાવવામાં આવી છે.
રાજકુમાર રાવનો દમદાર પર્ફોર્મન્સ
ફિલ્મમાં ઉજ્જવલ નિકમનો મુખ્ય રોલ ભજવી રહેલા બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે જણાવ્યું હતું કે આ પાત્ર ભજવવું એ માત્ર એક એક્ટિંગ નહીં પણ દેશ પ્રત્યેની મોટી જવાબદારી હતી. તેણે નિકમ સાહેબની નકલ કરવાને બદલે તેમના ઈરાદા, ફરજ અને સંઘર્ષની ઊંડાઈને સમજીને આ રોલ જીવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે વામિકા ગબ્બી પણ મહત્વના રોલમાં જોવા મળશે.
ઉજ્જવલ નિકમે વ્યક્ત કર્યો આભાર
ટ્રેલર લોન્ચ વખતે વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું કે ૨૬/૧૧નો અધ્યાય મુંબઈ કે દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ કેસ સાથે તેમનો લગાવ માત્ર વ્યવસાયિક નહીં પણ દેશ પ્રત્યેની ફરજનો હતો. ફિલ્મમાં સામાન્ય જનતાથી છુપાયેલા ઘણા અનટોલ્ડ પાસાઓ અને કોર્ટરૂમની સૂક્ષ્મ બારીકીઓને આવરી લેવામાં આવી છે, જે દર્શકોને ઈમોશનલી ઝકડી રાખશે.
