બોલિવૂડમાં કૌટુંબિક ડ્રામા ચરમસીમાએ: સૂરજ તો અગાઉથી જ આથમ્યો હતો, તૂટેલા ઘરને કોઈ નવેસરથી તોડી ન શકે; ગોવિંદાની કો-સ્ટાર રાની સ્વર્ણકારે સુનિતા આહુજાના આક્ષેપો સામે સોશિયલ મીડિયામાં વળતો પ્રહાર કર્યો
પતિને માનસિક રીતે ત્રાસ આપીને ઘરમાં બેસાડી દેવા અને પબ્લિક સિમ્પેથી મેળવવા માટે પીડાનું પ્રદર્શન કરવું એ કેવા પ્રકારનો પ્રેમ? લાલબાગચા રાજાના દર્શન બાદ શરૂ થયેલા અફેરના વમળો વચ્ચે રાની સ્વર્ણકારે ઈન્સ્ટાગ્રામ પર કડક શબ્દોમાં ભડાસ કાઢી!

મુંબઈ : હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનિતા આહુજા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો કૌટુંબિક અને અંગત વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. તાજેતરમાં કોલકાતાના દક્ષિણેશ્વર કાલી મંદિરે દર્શન કરવા પહોંચેલા સુનિતા આહુજાએ માધ્યમો સામે પોતાની પીડા વ્યક્ત કરતા દાવો કર્યો હતો કે "વિના કારણે તેમનો સંસાર તૂટી રહ્યો છે" અને તેમણે મહિલાઓ તથા જેન-ઝી (Gen-Z) યુવાનો પાસે સમર્થન માંગ્યું હતું. આ આક્ષેપો અને 'ઘર તોડનારી' મહિલા તરીકે થઈ રહેલી ચર્ચાઓ સામે હવે ગોવિંદાની આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર અને અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકારે મૌન તોડીને અત્યંત આકરા શબ્દોમાં સણસણતો વળતો પ્રહાર કર્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી અને ગંભીર સ્ટોરી પોસ્ટ કરીને રાની સ્વર્ણકારે નામ લીધા વિના જ સુનિતા આહુજા પર માનસિક ઉત્પીડન અને પબ્લિસિટી સ્ટંટના ગંભીર આરોપો લગાવ્યા છે. રાનીએ લખ્યું કે, "જે સ્ત્રી પોતાના જ પતિને વર્ષોથી માનસિક રીતે તોડી નાખવાનો અને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોય, તેવી મહિલાઓની બદદુઆઓ કોઈને લાગતી નથી. જે ઘર પહેલેથી જ ભાંગેલું અને તૂટેલું હોય, તેને કોઈ નવેસરથી તોડી શકતું નથી (Nobody can ever be a homebreaker in an already broken house)."
રાનીએ વધુમાં જનતા અને મીડિયાને લક્ષ્યમાં રાખીને ઉમેર્યું હતું કે, લોકો એટલા મૂર્ખ નથી કે કોઈ કાગડો કાન કાપી ગયો તેમ કહે અને તેની પાછળ દોડવા લાગે. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે, "મને એ સમજાતું નથી કે આ કેવા પ્રકારની પીડા છે, જેને સરખી કરવા કે રૂઝવવાને બદલે જાહેરમાં તેનું પ્રદર્શન કરીને આનંદ માણવામાં આવી રહ્યો છે? શું આ સાચે જ કોઈ દુઃખ છે કે પછી ખૂબ જ વિચારપૂર્વક રચવામાં આવેલું એક કાવતરું છે?"
અભિનેત્રીએ ગોવિંદાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા આરોપ મૂક્યો હતો કે, એક પુરુષને સતત માનસિક રીતે હેરાન કરવો, તેને કામ કરતા રોકવો, ઘરમાં નવરા બેસાડી રાખીને બરબાદ કરવો, તેને એકલો અટૂલો કરી દેવો અને મોતના મુખ સુધી ધકેલી દેવો – આ કઈ પતિવ્રતા કે સારી પત્નીના લક્ષણો છે? તેમણે દાવો કર્યો હતો કે જે બાબત બંધ બારણે હાસિલ ન થઈ શકી, તેને જાહેર જગ્યાએ જઈને અને લોકોની સહાનુભૂતિ (સિમ્પેથી) મેળવીને પૂરી કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. અંતમાં રાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "તમારા પોતાના એજન્ડા પૂરા કરવા માટે મારા નામનો ઉપયોગ કરવાનું બંધ કરો. ભગવાન દરેક ભલા પુરુષને આવી ચાલાક મહિલાઓથી બચાવે."
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગોવિંદા અને રાની સ્વર્ણકાર મુંબઈના પ્રખ્યાત 'લાલબાગચા રાજા'ના દર્શન કરવા સાથે પહોંચ્યા હતા. તે પહેલાં પણ બંને વિમાનમથકે સાથે જોવા મળ્યા હતા, જેથી તેમના અફેરની અફવાઓએ જોર પકડ્યું હતું. જાકે, ગોવિંદાએ આ અફવાઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે રાની સાથે તેમનો સંબંધ માત્ર પ્રોફેશનલ છે અને તેઓ પોતાની આગામી ફિલ્મ 'રૂપા'ની સફળતા માટે પ્રાર્થના કરવા ગયા હતા. ગોવિંદાએ પણ એવો દાવો કર્યો હતો કે તેમને તેમના પરિવારથી દૂર કરવા અને સમાજમાં તેમની છબી ખરડવા માટે આ એક આયોજનબદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. ૧૯૮૭માં લગ્નગ્રંથિથી જોડાયેલા ગોવિંદા અને સુનિતાના કૌટુંબિક વિવાદે હવે બોલિવૂડ ગલિયારામાં ભારે ગરમાવો લાવી દીધો છે.
