'મિર્ઝાપુર' બાદ હવે સુપરહિટ સીરિઝ 'પંચાયત' પર બનશે ફિલ્મ? સચિવજી અને ફુલેરા ગામની કહાની પર 'પ્રધાનજી' રઘુવીર યાદવે તોડ્યું મૌન
"ફુલેરા ગામની વિશાળ દુનિયાને બે-ત્રણ કલાકમાં સમેટવી મુશ્કેલ", ફિલ્મ બનવા મુદ્દે રઘુવીર યાદવે કરી રસપ્રદ વાત; ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬માં આ પાંચમી સીઝન

મુંબઈ, તા.૨૪: ઓટીટી પ્લેટફોર્મની બ્લોકબસ્ટર સિરીઝ ‘મિર્ઝાપુર’ પરથી ફિલ્મ ‘મિર્ઝાપુર ધ મૂવી’ બનાવવાની જાહેરાત અને તેને મળેલી ભવ્ય સફળતા બાદ હવે અન્ય લોકપ્રિય શોને મોટા પડદા પર લાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને હળવી કોમેડી અને ગ્રામીણ ભારતના વાસ્તવિક જીવનને રજૂ કરતી દેશભરની અતિપ્રિય સિરીઝ ‘પંચાયત’ પર ફિલ્મ બનશે કે નહીં, તે અંગે ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે શોમાં ‘પ્રધાનજી’ (બ્રિજભૂષણ શુક્લા) નુ યાદગાર પાત્ર ભજવનાર વરિષ્ઠ અભિનેતા રઘુવીર યાદવે પોતાનું મૌન તોડ્યું છે.
મોટા પડદા પર ‘પંચાયત’ના આગમન અંગે વાત કરતાં રઘુવીર યાદવે સ્પષ્ટ કર્યું હતું કે, આ અંગેનો આખરી નિર્ણય સર્જકો અને રાઈટર પર નિર્ભર કરે છે. તેમણે ઉમેર્યું કે, "જો ફિલ્મ બને છે તો હું તેમાં ચોક્કસ કામ કરીશ, પરંતુ રાઈટરના મનમાં કદાચ હજુ ઘણી સીઝન સુધીની વાર્તા હશે. તો પછી એક ફિલ્મ બનાવીને આગળની આખી સીઝન શા માટે બગાડવી? ફુલેરા ગામ અને તેના પાત્રોની દુનિયા ખૂબ જ વિશાળ છે."
પોતાના ગામડાના અનુભવને યાદ કરતાં અભિનેતાએ જણાવ્યું હતું કે ‘પંચાયત’ના દરેક પાત્રની પોતાની અલગ જ વાર્તા છે. મંજુ દેવી, બનરાકસ, પ્રધાનજી કે સચિવજી - આ તમામના જીવન અને સંબંધોને માત્ર બે કે ત્રણ કલાકની ફિલ્મમાં સમેટવું અત્યંત મુશ્કેલ છે. આ વિવાદ અને ચર્ચાઓ વચ્ચે દર્શકો માટે ખુશીના સમાચાર એ છે કે પ્રાઇમ વીડિયો ‘પંચાયત સીઝન ૫’ ને ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬ દરમિયાન રિલીઝ કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે, જેની દર્શકો અત્યારથી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
