<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 21st September 2026

રાજશ્રી પ્રોડક્શન્સની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ: સૂરજ બડજાત્યા અને હિમેશ રેશમિયાની જોડીએ ફરી સર્જ્યો સંગીતનો જાદુ

શ્રેયા ઘોષાલ અને નિહાલ તૌરોના મધુર અવાજમાં સજ્જ આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘનું આ નવું ગીત શ્રોતાઓને રાજશ્રીની ક્લાસિક પારિવારિક ફિલ્મોની યાદ અપાવશે

મુંબઈ, તા.૨૧: બોલિવૂડમાં પારિવારિક અને લાગણીસભર ફિલ્મો બનાવવા માટે જાણીતા પ્રખ્યાત નિર્દેશક સૂરજ આર. બડજાત્યાની આગામી મચ-અવેટેડ ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા' નું ટાઈટલ ટ્રેક આજે સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘની ફ્રેશ જોડી ધરાવતી આ ફિલ્મનું સંગીત રાજશ્રી પ્રોડક્શન્સની ભવ્ય પરંપરાને આગળ ધપાવે છે. 'મૈંને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન...!', 'હમ સાથ સાથ હૈ', અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની જેમ આ ફિલ્મનું સંગીત પણ ભારતીય તહેવારો અને કૌટુંબિક ઉજવણીઓની સુવાસ લઈને આવ્યું છે.

 

બ્લોકબસ્ટર ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' ની સુપરહિત સફળતા બાદ સંગીતકાર હિમેશ રેશમિયા અને સૂરજ બડજાત્યાની જોડી ફરી એકવાર આ ફિલ્મ માટે સાથે આવી છે. હિમેશ રેશમિયાએ જ આ મધુર ટ્રેક કમ્પોઝ કર્યો છે. સૂરજ બડજાત્યાના સિગ્નેચર મ્યુઝિકલ વર્લ્ડમાં હિમેશ રેશમિયાની મેલોડી ભળતાં જ આ ગીતે રિલીઝ થતાંની સાથે જ શ્રોતાઓ અને સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા છે.

 

શ્રેયા ઘોષાલના જાદુઈ અવાજ અને શાનદાર કેમિસ્ટ્રીથી સજ્જ

 

તાજેતરમાં રિલીઝ થયેલા આ ટાઇટલ ટ્રેકમાં દેશની જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલ અને નિહાલ તૌરોનો મધુર અવાજ સાંભળવા મળે છે. શ્રેયા ઘોષાલનો સુમધુર અવાજ આ ગીતમાં એક અલગ જ આત્મીયતા અને લાગણી ભરી દે છે. રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે બનેલી આ સંગીતમય પારિવારિક ડ્રામા ફિલ્મ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ દેશભરના સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

(4:36 PM IST)