<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 21st September 2026

હાથમાં ભાલો અને ચહેરા પર લોહી! રશ્‍મિકા મંદાનાનો આવો ખૂંખાર અવતાર ક્‍યારેય નહીં જોયો હોય

રશ્‍મિકા મંદાનાની બહુપ્રતીક્ષિત પેન-ઇન્‍ડિયા ફિલ્‍મ ‘માયસા'નું ટીઝર રિલીઝ : ફિલ્‍મમાં રશ્‍મિકા અત્‍યાર સુધીના સૌથી રફ-ટફ અને ઇન્‍ટેન્‍સ એક્‍શન અવતારમાઃ પિતા-દીકરીના ભાવનાત્‍મક સંબંધ, હાઇ-ઓક્‍ટેન એક્‍શન અને થ્રિલથી ભરેલી આ ફિલ્‍મ ૨૭ નવેમ્‍બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઇ તા.૨૧:  રશ્‍મિકા મંદાના અત્‍યાર સુધી અનેક બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મોનો ભાગ રહી ચૂકી છે અને હવે પોતાની આગામી પેન-ઇન્‍ડિયા ફિલ્‍મ ‘માયસા' ને લઈને ચર્ચામાં છે. આ મહિનાની શરૂઆતમાં મેકર્સે ફિલ્‍મનું પોસ્‍ટર જાહેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. પોસ્‍ટરમાં રશ્‍મિકા હાથમાં ભાલો લઈને લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. હવે મેકર્સે ફિલ્‍મનો બહુપ્રતીક્ષિત ટીઝર (Teaser) પણ રિલીઝ કરી દીધો છે, જેમાં અભિનેત્રી અત્‍યાર સુધીના પોતાના સૌથી અલગ અને ઇન્‍ટેન્‍સ અવતારમાં જોવા મળે છે.

ટીઝરની શરૂઆત માયસા મિશ્રા ના પાત્રથી થાય છે, જે શરૂઆતમાં થાકેલી અને તૂટેલી સ્‍થિતિમાં જોવા મળે છે. ત્‍યારબાદ તેનો સ્‍વભાવ સંપૂર્ણપણે બદલાયેલો દેખાય છે અને તે ગુસ્‍સેલ, નિર્ભય તથા રફ-ટફ અંદાજમાં સામે આવે છે. વાર્તામાં પોલીસથી લઈને ગુનેગારો સુધી દરેક વ્‍યક્‍તિ માયસાની શોધમાં છે, જ્‍યારે માયસા પોતાના પિતાને શોધી રહી છે.

હાઇ-ઓક્‍ટેન એક્‍શનથી ભરેલો ટીઝર ફિલ્‍મની મુખ્‍ય વાર્તાની ઝલક પણ આપે છે. ફિલ્‍મના કેન્‍દ્રમાં એક પિતા અને દીકરીના સંબંધની ભાવનાત્‍મક કહાની છે. એટલે ‘માયસા' માત્ર એક્‍શન ફિલ્‍મ નહીં, પરંતુ ઇમોશન (Emotion), થ્રિલ (Thrill) અને સંબંધોની લાગણીઓને જોડતી ફિલ્‍મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

‘માયસા' ૨૦૨૬ની બહુપ્રતીક્ષિત ફિલ્‍મોમાં સામેલ છે. આ મહિલા-કેન્‍દ્રિત એક્‍શન ફિલ્‍મમાં રશ્‍મિકા મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. પોસ્‍ટર્સથી દર્શકોમાં ઉત્‍સુકતા વધાર્યા બાદ ટીઝરે પણ ફિલ્‍મ પ્રત્‍યેની ચર્ચા વધુ તેજ કરી છે. ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર દર્શકો રશ્‍મિકાના અભિનય, એક્‍શન સીક્‍વન્‍સ અને સ્‍ટોરીટેલિગ ની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે ફિલ્‍મને અત્‍યારથી જ સંભવિત બ્‍લોકબસ્‍ટર ગણાવી છે.

‘માયસા'નું દિગ્‍દર્શન રવિન્‍દ્ર પુલ્‍લે એ કર્યું છે. ફિલ્‍મનું નિર્માણ અનફોર્મ્‍યુલા ફિલ્‍મ્‍સ દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મ આદિવાસી વિસ્‍તારોની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ઇમોશનલ એક્‍શન થ્રિલર છે, જેમાં એક્‍શન, લાગણી અને ભવ્‍યતા ત્રણેયનો સમન્‍વય જોવા મળશે.

‘માયસા' ૨૭ નવેમ્‍બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે આ જ સમયગાળામાં ઇમરાન હાશમીની ‘Gunmaster G9' તેમજ આયુષ્‍માન ખુરાના અને શર્વરી વાઘ અભિનીત ‘Ye Prem Mol Liya' પણ રિલીઝ થવાની છે. તેથી નવેમ્‍બરના અંતમાં બોક્‍સ ઓફિસ પર રસપ્રદ ક્‍લેશ જોવા મળી શકે છે.

 

(10:15 AM IST)