<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 17th September 2026

નયનતારાનો દિવ્ય અને રૌદ્ર અવતાર! વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી ભરપૂર 'મહાશક્તિ'નું ટીઝર આઉટ, બાહુબલી સાથે થઈ સરખામણી

2020ની સુપરહિટ ફિલ્મ 'મુકુથી અમ્મન'ની સિક્વલમાં સાઉથ ક્વીનનો પ્રભાવશાળી અંદાજ; પંચભાષી ફૅન્ટસી ડ્રામા બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવા તૈયાર

મુંબઈ, તા.17: આસ્થા અને ભક્તિના રંગે રંગાયેલી ફિલ્મ 'હનુમાનઅંશ'ની ભવ્ય સફળતા બાદ હવે ભારતીય સિનેમામાં આધ્યાત્મિક અને દૈવી કથાનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. સાઉથ સિનેમાની લેડી સુપરસ્ટાર નયનતારા ફરી એકવાર પડદા પર દૈવી અવતારમાં પ્રગટ થવા માટે તૈયાર છે. મેકર્સ દ્વારા તેમની આગામી મહાકાય ફિલ્મ 'મહાશક્તિ' નું અઢી મિનિટનું રૂંવાડા ઊભા કરી દે તેવું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ ફિલ્મ વર્ષ 2020માં રજૂ થયેલી અને દર્શકોના દિલ જીતનારી સુપરહિટ ફિલ્મ 'મુકુથી અમ્મન'ની હિન્દી સિક્વલ તથા વાર્તાનો આગળનો વિસ્તાર છે. ટીઝરમાં દર્શાવવામાં આવેલી દમદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) અને ભવ્ય કેન્વાસ જોઈને પ્રશંસકો તેને સીધી 'બાહુબલી' ફિલ્મ સાથે સરખાવી રહ્યા છે. દરેક ફ્રેમમાં નયનતારાના ચહેરાના હાવભાવ અને તેની શક્તિશાળી એન્ટ્રી દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. મેકર્સે આ ફિલ્મને કોઈ બેઠી કોપી બનાવવાના બદલે સનાતન ધર્મ, શાસ્ત્રો અને પૌરાણિક કથાઓને એક આધુનિક એક્શન-ફૅન્ટસી ફ્લેવર આપવાનો પ્રયાસ કર્યો છે.

આ ભવ્ય સિનેમેટિક એક્સપિરિયન્સ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ મોટી ભારતીય ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ થશે. 'ટોક્સિક' ફિલ્મ બાદ નયનતારાને આ મોટા બજેટના પ્રોજેક્ટ પાસેથી ભારે અપેક્ષાઓ છે અને ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે આ પાત્ર માટે અથાક મહેનત કરી છે. ઉત્તર ભારતમાં ફિલ્મના બહોળા ડિસ્ટ્રિબ્યુશન માટે અત્યારથી જ મોટા પાયે વાટાઘાટો ચાલી રહી છે. બોક્સ ઓફિસ પર નવો ધમાકો કરવા તૈયાર આ પૌરાણિક-એક્શન ફિલ્મ આગામી નવેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં દસ્તક દેશે.

(4:47 PM IST)