સૂર સામ્રાજ્ઞી આશા ભોંસલે: ૧૨,૦૦૦થી વધુ ગીતોને અનોખો અવાજ આપનાર ગાયિકાની સંઘર્ષ અને સંગીતથી ભરેલી અદભુત સફર
દિગ્ગજ ગાયિકાના જીવનના પ્રેરણાદાયી કિસ્સા: સંઘર્ષો વચ્ચે પણ સંગીત પ્રત્યેનું સમર્પણ અને આર.ડી. બર્મન સાથેની યાદગાર જોડીએ હિન્દી સિનેમામાં રચ્યો નવો ઈતિહાસ

મુંબઈ તા.08: હિન્દી સિનેમા જગતની અજોડ અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની સંગીતની સફર માત્ર ગીતો પૂરતી સીમિત નથી, પરંતુ તે એક પ્રેરણાદાયી ગાથા છે. માત્ર ૧૧ વર્ષની નાની વયે માઈક પકડીને પોતાના અવાજનો જાદુિ પથરાવનાર આશા તાઈએ સંગીત જગતમાં એક એવો અલગ ઝોન ઊભો કર્યો છે, જે આજે પણ યુવાઓની પ્લેલિસ્ટમાં અકબંધ છે. પોતાના દમદાર કંઠના સહારે ૧૨,૦૦૦થી વધુ ગીતોને અમર બનાવનાર આશાજીએ સંગીતની દુનિયામાં અદ્ભુત ઇતિહાસ રચ્યો છે.
આશા ભોંસલેનું જીવન હંમેશાં કાંટાળી અને કપરી વાટ જેવું રહ્યું છે. નાની વયે પિતા દીનાનાથ મંગેશકરનું અવસાન થતાં ઘરની જવાબદારી અને સંઘર્ષ વધી ગયા હતા. વર્ષ ૧૯૪૩માં આવેલી મરાઠી ફિલ્મ 'માઝા બાલ'થી તેમને પ્રથમવાર ગાયિકા તરીકે તક મળી હતી. અંગત જીવનમાં લતાદીદીના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથેના વિવાદાસ્પદ લગ્નને કારણે મંગેશકર પરિવાર સાથેના સંબંધોમાં ભારે તિરાડ પડી હતી અને રૂઢિચુસ્ત પરિવારમાં એક મહિલા તરીકે સંગીત ક્ષેત્રે આગળ વધવું ખૂબ જ પડકારજનક સાબિત થયું હતું. જોકે, આ તમામ કૌટુંબિક ડખા અને અંગત જીવનના ભારે દુઃખો વચ્ચે પણ તેમણે ક્યારેય સંગીતથી મોં ફેરવ્યું નહીં અને ગીતોમાં પોતાનો આત્મા રેડી દીધો.
વર્ષ ૧૯૮૦માં તેમના જીવનમાં મહાન સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) ની એન્ટ્રી થતાં તેમની ગાયકીનો ગ્રાફ એક અલગ જ ઊંચાઈ પર પહોંચી ગયો. પંચમ દા સાથેની તેમની જોડીએ હિન્દી સિનેમામાં સંગીતનો એક નવો જ યુગ શરૂ કર્યો. કાચની ટક્કર કે પાણીના ટીપાંમાંથી પણ અદ્ભુત સંગીત પેદા કરી શકાય તેવું અનોખું કૌશલ્ય આ જોડીએ સિનેમા જગતને શીખવ્યું. ૧૯૯૪માં આર.ડી. બર્મનના અણધાર્યા અવસાન બાદ આશાતાઈએ ખરા અર્થમાં એકલતાનો સામનો કર્યો હતો, છતાં તેમણે ક્યારેય અફવાઓ પર ધ્યાન ન આપીને માત્ર પોતાના સંગીત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.
માત્ર ગાયકી જ નહીં, પરંતુ મરાઠી ફિલ્મ 'માઈ'માં સુંદર એક્ટિંગ કરીને તેમણે એક નવો પ્રયોગ પણ કર્યો હતો. આ ઉપરાંત, ઉત્તમ ગાયિકા હોવાની સાથેસાથે તેઓ એક નિપુણ કૂક પણ છે અને કુવૈતમાં તેમની રેસ્ટોરાં પણ ચાલે છે. 'ચુરા લીયા હૈ તુમને જો દિલ કો', 'દમ મારો દમ', 'પિયા તુ અબ તો આજા', અને 'દિલ ચીઝ ક્યા હૈ' જેવા અનેક એવરગ્રીન ગીતો આપીને ૭૦ અને ૮૦ના દાયકાને તેમણે પોતાના નામે કરી દીધો હતો. જીવનના અનેક ઉતાર-ચઢાવો અને અગ્નિપરીક્ષાઓ પાર કરીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મભૂષણ તથા અનેક ફિલ્મફેર એવોર્ડ્સથી સન્માનિત આશા ભોંસલે આજે પણ સંગીત પ્રેમીઓના હૃદયમાં એક અનોખું અને અમર સ્થાન ધરાવે છે.
