માત્ર બે કરોડના ખર્ચે બનેલી ‘હનુમાન અંશ’એ સો કરોડનો પડાવ પાર કરી ચમકાવ્યું ભાગ્ય, મોટા બજેટની ફિલ્મોને પાછળ ધકેલી
માનધન છોડ્યું, સાડા ચાર મહિના ફળાહાર કર્યો; સેટ ઉપર શાકાહારી ભોજન અને રોજ હનુમાન ચાલીસાનો કડક નિયમ રખાયો

મુંબઈ, તા. ૬ : નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક સંદેશથી પ્રેરિત ‘હનુમાન અંશ’એ રજૂઆતના એક મહિનામાં જ સો કરોડ રૂપિયાની કમાણીનો પડાવ પાર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. અંદાજે પોણા બે કરોડથી બે કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે એકત્રીસમા દિવસે ભારતમાં આશરે ૧૦૦.૨૦ કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી નોંધાવી હોવાનું ફિલ્મ ઉદ્યોગના પ્રારંભિક આંકડા દર્શાવે છે.
વિશાલ ચતુર્વેદી દિગ્દર્શિત ફિલ્મ ૭ ઓગસ્ટે રજૂ થઈ હતી. શરૂઆતના દિવસે માત્ર દસ લાખ અને પ્રથમ ત્રણ અઠવાડિયામાં આશરે બાર કરોડની કમાણી છતાં લોકમુખે થયેલી પ્રશંસાથી ચોથા અઠવાડિયામાં ફિલ્મે જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો. અભિનેતા શોભિનવ સત્યા નીમ કરોલી બાબાની ભૂમિકામાં છે.
દિગ્દર્શકે ફિલ્મ માટે માનધન લીધું નહોતું અને સાડા ચાર મહિના માત્ર ફળાહાર કર્યો હતો. સેટ ઉપર માંસાહાર, દારૂ, અપશબ્દો અને ઝઘડા ઉપર પ્રતિબંધ હતો. રોજનું ચિત્રણ હનુમાન ચાલીસાના પાઠથી શરૂ થઈને પાઠ સાથે જ પૂર્ણ થતું હતું.
