સુનીતા આહુજાનો યોગેશ રાવત સાથેનો ડાન્સ વીડિયો વાયરલ થતાં મચ્યો હોબાળો, ગોવિંદા સાથેના વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉઠાવ્યા સવાલો
બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા વચ્ચેના અંગત વિવાદની વચ્ચે હવે સુનીતાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક યુવક સાથે ડાન્સ કરતી નજરે પડી રહી છે અને આ બાબતે લોકો તેમને ઘેરી રહ્યા છે.

મુંબઈ : બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાની અંગત જિંદગી આજકાલ સતત ચર્ચાનો વિષય બની રહી છે. આ દંપતીના પારિવારિક વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા અને રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા સુનીતાએ ગોવિંદા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને બંને વચ્ચે છૂટાછેડા સુધીની વાત પહોંચી ગઈ હતી, જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો.
તાજેતરમાં જ સુનીતા આહુજાએ પોતાના ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં લોકઅપ શોના તમામ કન્ટેસ્ટન્ટ્સે હાજરી આપી હતી. આ રિયુનિયન પાર્ટીના કેટલાક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે નવો વિવાદ શરૂ થયો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સુનીતા આહુજા લોકઅપના કન્ટેસ્ટન્ટ યોગેશ રાવત સાથે ઉત્સાહપૂર્વક ડાન્સ કરતી નજરે ચડે છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે સુનીતાને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે અને તેમના બેવડા ધોરણો પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે થોડા સમય પહેલા સુનીતાએ ગોવિંદા પર નારાજગી વ્યક્ત કરી હતી કે તેઓ ઓછી ઉંમરની યુવતીઓ સાથે ફરે છે. યુઝરે સીધો સવાલ પૂછ્યો છે કે જો ગોવિંદા કોઈ ઓછી ઉંમરની છોકરી સાથે નજરે પડે તો તેના પર સવાલો થાય છે, પરંતુ એ જ કામ સુનીતા કરે તો તેને યોગ્ય કેમ ગણવામાં આવે?
