અર્ચના પૂરણ સિંહના પુત્ર આર્યમન પર લંડનમાં ફેંકાયા હતા 'આતંકવાદી' અને 'પાકિસ્તાની' જેવા મેણાં-ટોણાં: સમય રૈનાના 'નલ્લા' વાળા મજાક અને ભારે ટ્રોલિંગ વિવાદ પર પરિવારે મૌન તોડ્યું
સ્ટાન્ડ-અપ કોમેડીમાં પતિ અને પુત્રોની મજાક ઉડાવવા બદલ ટ્રોલ થયેલી અર્ચના સિંહે સુનીલ પાલને આપ્યો રોકડિયો જવાબ; લિવ-ઇન પાર્ટનર યોગિતા બિહાની સાથે આર્યમન ટૂંક સમયમાં કરશે રોકા સેરેમની

મુંબઈ : બોલિવૂડ અને ટીવી જગતની જાણીતી હાસ્ય કલાકાર અર્ચના પૂરણ સિંહ અને તેનો પરિવાર અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં સ્ટાન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના વિવાદિત શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં હાજરી આપ્યા બાદ અર્ચના ભારે ટ્રોલિંગનો ભોગ બની હતી. શો દરમિયાન સમય રૈનાએ અર્ચનાના બંને પુત્રો આર્યમન અને આયુષ્માનને 'નલ્લા' (નકામા) અને પતિ પરમીત સેઠીને 'બેરોજગાર' કહીને તેમની મજાક ઉડાવી હતી. આ મજાક પર અર્ચના ખડખડાટ હસી પડી હતી, જે જોઈને નેટીઝન્સ સહિત હાસ્ય કલાકાર સુનીલ પાલે પણ અર્ચનાની આકરી ટીકા કરી હતી. હવે આ સમગ્ર 'નલ્લા' વિવાદ પર અર્ચના, પરમીત અને તેના મોટા પુત્ર આર્યમને મૌન તોડીને કડક પ્રતિક્રિયા આપી છે.
આર્યમને પોતાના યુટ્યુબ વ્લોગ દ્વારા ટ્રોલર્સ અને વિવેચકોને જડબાતોડ જવાબ આપતા જણાવ્યું કે, સમય રૈના તેમનો પારિવારિક મિત્ર છે અને તેનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો. પોતાને 'નલ્લા' કહેવા અંગે ખુલાસો કરતા આર્યમને પોતાના ભૂતકાળનો એક દર્દનાક કિસ્સો શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે, "જ્યારે હું ૧૪ વર્ષની ઉંમરે ફૂટબોલ રમવા ઇંગ્લેન્ડ ગયો હતો, ત્યારે મારે ભારે જાતિવાદ (Racism) અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં લોકો મને 'આતંકવાદી' અને 'પાકિસ્તાની' કહીને બોલાવતા હતા. જો એવા ગંભીર શબ્દોથી મને કોઈ ફરક ન પડ્યો હોય, તો સમયના એક નાનકડા મજાકથી મને કે મારા પરિવારને શું ફરક પડવાનો છે?"
બીજી તરફ, અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીએ સુનીલ પાલ દ્વારા બનાવવામાં આવેલા ટીકાત્મક વિડીયો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અર્ચનાએ જણાવ્યું કે, "અમારા જ ઇન્ડસ્ટ્રીના સાથીદારો વચ્ચે આવીને અમારો બચાવ કરવાનો અર્થહીન પ્રયાસ કેમ કરી રહ્યા છે? કપિલ શર્મા પણ શોમાં મારી મજાક ઉડાવે છે, પરંતુ તેનો હેતુ મને નીચી બતાવવાનો નથી હોતો." આ વિવાદ વચ્ચે આર્યમનની પર્સનલ લાઈફને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આર્યમન હાલ જાણીતી અભિનેત્રી યોગિતા બિહાની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં અર્ચનાના ઘરે જ રહી રહ્યો છે અને ઘરનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ બંને ટૂંક સમયમાં જ રોકા સેરેમની કરીને લગ્નના બંધનમાં બંધાશે.
