<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 2nd September 2026

ગુજરાતી સિનેમાની મોટી સફળતા: સર્વાધિક કમાણી કરનારી બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે'ની બનશે તેલુગુ રિમેક

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા ભજવશે ભગવાન શ્રીકૃષ્ણની બહુપ્રતિક્ષિત ભૂમિકા; દિગ્ગજ પ્રોડ્યુસર દિલ રાજુએ મેળવ્યા સાઉથ રિમેકના અધિકારો

અમદાવાદ, તા.૦૨: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક અત્યંત ગર્વ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડીને ઇતિહાસ રચનાર ધાર્મિક-ડ્રામા ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' હવે સાઉથ સિનેમા સુધી પહોંચવા જઈ રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, આ ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મની તેલુગુ ભાષામાં રિમેક બનાવવાની સત્તાવાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ તેલુગુ રિમેકના અધિકારો પ્રખ્યાત સાઉથ ફિલ્મ પ્રોડ્યુસર દિલ રાજુએ ખરીદી લીધા છે. શરૂઆતમાં આ રોલ માટે રામ ચરણનું નામ ચર્ચામાં હતું, પરંતુ આખરે સાઉથના ચર્ચિત અભિનેતા વિજય દેવરકોંડાને ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય પાત્ર ભજવવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

 

₹૫૦ લાખના બજેટમાંથી ₹૧૨૦ કરોડથી વધુનો બોક્સ ઓફિસ ધમાકો

 

માત્ર ₹૫૦ લાખના અત્યંત નાના બજેટમાં બનેલી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ગયા વર્ષે રિલીઝ થઈ હતી. શરૂઆતના બે અઠવાડિયામાં ધીમી ગતિએ ચાલ્યા બાદ, ચોથા અઠવાડિયે ફિલ્મે વર્ડ ઓફ માઉથના જોરે અકલ્પનીય કમાણી કરીને વિશ્વભરમાં ₹૧૨૨ કરોડથી વધુનું જંગી કલેક્શન કર્યું હતું. આ સાથે જ તે ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

 

એક રિક્ષાચાલક અને તેને માર્ગદર્શન આપતા ભગવાન શ્રીકૃષ્ણની આ ભાવુક અને દિવ્ય વાર્તા હવે દક્ષિણ ભારતની વિશાળ ઓડિયન્સ સુધી પહોંચશે, જેને લઈને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

(5:06 PM IST)