બોક્સ ઓફિસ પર ચમત્કાર! નીબ કરોરી બાબાની બાયોપિક 'હનુમાન અંશ'નું બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમબેક: ₹૧૦ લાખની નબળી ઓપનિંગ બાદ કમાણી ₹૧૮.૧૩ કરોડે પહોંચી
કોઈપણ પ્રચાર વિના રિલીઝ થયેલી ફિલ્મે ત્રીજા અઠવાડિયે કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા; માર્ક ઝુકરબર્ગ અને વિરાટ કોહલી જેવી અગ્રણી હસ્તીઓના શ્રદ્ધા કેન્દ્ર પર આધારિત ફિલ્મે બનાવ્યો નવો ઈતિહાસ

મુંબઈ : ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોક્સ ઓફિસના આંકડા અણધાર્યા ચમત્કારોથી ભરેલા હોય છે, જેનું તાજું ઉદાહરણ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' પૂરૂં પાડી રહ્યું છે. ૭ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં કોઈપણ ખાસ પ્રચાર કે પબ્લિસિટી વિના શાંતિથી રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે માત્ર ₹૧૦ લાખની મામૂલી કમાણી કરી હતી. શરૂઆતના બે અઠવાડિયામાં માત્ર ₹૧.૪૮ કરોડનું કલેક્શન કરનારી આ ફિલ્મે ત્રીજા અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર એવો અદ્ભુત વળાંક લીધો કે ટ્રેડ વિશ્લેષકો પણ દંગ રહી ગયા છે.
સકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે તેના ત્રીજા અઠવાડિયા દરમિયાન ચમત્કારિક રીતે ₹૧૦.૪૦ કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ચોથા શુક્રવારે ફિલ્મે વધુ ₹૬.૨૫ કરોડની ગૌરવપૂર્ણ કમાણી ઉમેરીને ભારતભરમાં પોતાનું કુલ નેટ કલેક્શન ₹૧૮.૧૩ કરોડ સુધી પહોંચાડી દીધું છે. સસ્તા બજેટમાં બનેલી આ ફિલ્મે પોતાના ખર્ચ કરતાં અનેક ગણો નફો રળીને બોક્સ ઓફિસ પર કલેક્શનના મામલે 'બ્લોકબસ્ટર' નો હિટ ટેગ મેળવી લીધો છે. સોશિયલ મીડિયા પર મળી રહેલા પ્રતિસાદ અનુસાર BookMyShow પર આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મોને પણ જોરદાર ટક્કર આપી રહી છે.
આ ફિલ્મ મહાન સંત નીબ કરોરી બાબાના દિવ્ય જીવન અને ઉપદેશો પર આધારિત છે. ઉત્તર પ્રદેશના વૃંદાવન અને કૈંચી ધામ ખાતે આશ્રમ ધરાવતા નીબ કરોરી બાબાના લાખો અનુયાયીઓ છે, જેમાં એપલના સ્ટીવ જોબ્સ, મેટાના માર્ક ઝુકરબર્ગ, તેમજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હસ્તીઓનો સમાવેશ થાય છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી અને શોભિનવ સત્ય મહારાજ જી દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવાયેલી આ ફિલ્મે ચોથા શનિવારે પણ ₹૮ થી ૯ કરોડની શાનદાર કમાણી તરફ કૂચ કરી છે.
